બેઠકમાં હિસાબોના ઓડિટ સાથે પ્રસાદની ગુણવત્તા, વહીવટી અને મહેકમ, સુરક્ષા- સલામતીની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વિકાસલક્ષી અને સુદ્રઢ નિર્ણયો કરવામાં આવ્યા
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને શનિવારે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ટ્રસ્ટની આવક – જાવકના હિસાબોનો ઓડિટ રિપોર્ટ, પ્રસાદની ગુણવત્તા અને સંચાલન તથા પેકેજીંગ, મંદિરના કર્મચારીઓના વહીવટી અને મહેકમની બાબતો, સુરક્ષા અને સલામતીની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વિકાસલક્ષી અને સુદ્રઢ નિર્ણયો કરવામાં આવ્યા હતા. તેમજ આગામી દિવાળીના તહેવારોમાં યાત્રિકોને દર્શન માટે યોગ્ય અને સુચારુ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ૧૨૫ લાખથી વધુ યાત્રાળુઓ દર્શન માટે પધારે છે. તેમજ દર વર્ષે યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ અંબાજી ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી દાંતા અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એલ.ડી.ચૌધરી, સિવિલ સર્જનશ્રી દિપક પ્રણામી, અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીશ્રી ચેતનભાઈ જોષી અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી