દીપાવલી પર્વ એટલે પ્રકાશનું પર્વ. જીવનમાં પ્રકાશ , આનંદ અને ઉત્સાહનો સંચાર કરતો તહેવાર એટલે દીપાવલી પર્વ. દર વર્ષે ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ અક્ષરવાડી, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે દીપાવલી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક, દિવ્યતા અને ભવ્યતાપૂર્વક થાય છે.
આ વર્ષે પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.૯.૧૧.૨૩ ગુરુવારે એકાદશી ઉત્સવની આરતી સાંજે ૬.૩૦ કલાકે થશે. તા.૧૧.૧૧.૨૩ શનિવાર કાળી ચૌદસના દિવસે સાંજે ૬.૦૦ કલાકે શ્રી હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવશે.
તા.૧૨.૧૧.૨૩ રવિવાર દિવાળીના દિવસે સાંજે ૫.૦૦ કલાકે ઠાકોરજી તથા પૂજય સંતોના સાનિધ્યમાં વેદોક્તવિધિપૂર્વક ચોપડા પૂજન થશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય છે. સાંજે ૬.૩૦ થી ૭.૩૦ કલાકે મંદિરના પરિસરમાં રવિસભા તથા હજારો દીવડાઓ દ્વારા મહા આરતી થશે.
તા.૧૩.૧૧.૨૩ સોમવારે અન્નકૂટોત્સવ અંતર્ગત ભગવાન સમક્ષ ૧૨૦૦ થી વધુ વાનગીઓનો ભવ્ય મહા અન્નકૂટ થશે. સવારે ૯.૩૦ કલાકે અન્નકૂટ થાળ ગાન, ૧૦.૦૦ કલાકે અન્નકૂટ આરતી થશે. ત્યારબાદ ૧૦.૩૦ થી સાંજના ૭.૦૦ કલાક સુધી અન્નકૂટ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થશે.
તા.૧૪.૧૧.૨૩ સં ૨૦૮૦ નૂતન વર્ષે સવારે ૬.૦૦ કલાકે મંગળા આરતી, ૬.૧૫ કલાકે નૂતન વર્ષ મહાપૂજા, ૭.૩૦ કલાકે શણગાર આરતી, સવારે ૬.૩૦ થી ૧૨.૦૦ નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. દીપાવલીના પાવન પર્વના કાર્યક્રમો તથા મહા અન્નકૂટ ઉત્સવનો લાભ લેવા અક્ષરવાડી મંદિર દ્વારા શહેરી જનોને ખાસ આમંત્રણ છે.