અન્નકૂટ ઉત્સવ એટલે ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના દ્રઢ કરાવતો ઉત્સવ. અષાઢ માસથી થી શરૂ થયેલ વર્ષાથી ઉત્પન્ન નવા અનાજથી વિવિધ વાનગીઓ બનાવી સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવાની હિંદુ સનાતન ધર્મની પરંપરા છે. આ રીતે ભગવાનનો આભાર માનવાની અને સમગ્ર વર્ષ દરમ્યાન ભગવાનની પ્રસાદી રુપ અન્ન જમવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. કારણકે બધું જ ભગવાનનું છે અને તેમનું આપેલું આપણે જમીએ છીએ.
અક્ષરવાડીમાં દર વર્ષે ખૂબ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે અન્નકુટ માં 1200 પ્રકારની વિવિધ શુદ્વ શાકાહારી વાનગીઓ ધરવામાં આવી છે. વરિષ્ઠ સંત પૂ. સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત પૂ. યોગ વિજય સ્વામી તથા મહાનુભાવોની ઉપસ્થિતિ માં ઉત્સવના દિવસે ઉત્સવના કીર્તનો, થાળ તથા આરતી કરવામાં આવી. સાંજના ૭ કલાક સુધી ખૂબ મોટી સંખ્યમાં ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતોતથા અન્નકૂટની પ્રસાદી પણ પ્રાપ્ત કરી હતી.
આજના પ્રસંગે માનનીય ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ , હીરા ઉદ્યોગ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શિપ બ્રેકિંગ ઉદ્યોગપતિઓ, વકીલ એસોસિએશન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય સંતોના માર્ગદર્શન નીચે છેલ્લા 15 દિવસથી 50 સ્વયંસેવકો ફૂલ ટાઈમ સેવામાં તેમજ બાળકો, બાલિકાઓ, યુવક, યુવતીઓ ,મહિલા સહિત 150 હરિભક્તો આ અન્નકૂટની તૈયારી કરી રહ્યા હતા.