મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૩ નવેમ્બર ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરાશે. જ્યારે ૪૩ જેટલા વિકાસના નવા પ્રક્લપોનું ખાતમુર્હુત કરાશે. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરાશે. આમ, મહેસાણા જિલ્લામાં રૂ. ૧૦૯ કરોડના આશરે ૮૫ જેટલા વિકાસના વિવિધ કામોની વણઝાર કરાશે.
મુખ્યમંત્રી ના હસ્તે મહેસાણા જિલ્લામાં નવીન ૬૨ એમ્બ્યુલન્સ C.H.C.,P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં ₹.૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ₹.૩૬.૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં ₹.૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને ₹.૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિસનગરના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે તા.23 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે કાર્યક્રમ શરૂ કરાશે.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા, જિલ્લાના સર્વે ધારાસભ્યઓ સરદારભાઈ ચૌધરી, કરશનભાઈ સોલંકી, કિરીટભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, સુખાજી ઠાકોર, ડૉ..સી.જે ચાવડા સહિત જિલ્લાભરના આગેવાનો અને વહીવટીતંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.