વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરના દર્શન માટે આવનારા યાત્રીઓને આધ્યાત્મ અને પ્રવાસનનો સંગમ યાત્રીભવન પૂરો પાડશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભગવાનની શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે.
એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહી ની માહિતી મેળવી હતી.
તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિર માં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા દાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.