સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને લાભ આપવાના હેતુથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજિત કરવામાં આવી છે.જેના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજથી પ્રારંભ થયો હતો.જેનો શુભારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યો હતો.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે,સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે.પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ,પાણી,વીજળી,સ્વાસ્થ્ય,સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે.
સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી જઈને તેને યોજનાની માહિતી,માર્ગદર્શન અને લાભ આપવામાં આવે તેવુ આયોજન વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિ દ્વારા આ અભૂતપૂર્વ આયોજન શક્ય બન્યું છે,આ સુવિધાઓ દરેક વર્ગના લોકો સુધી પહોંચાડીને તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના,ઉજ્વલા યોજના,પીએમ સ્વનિધી યોજના વગેરે વિવિધ યોજનાઓ દ્વારા બહુઆયામી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી.મનપા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય એ શાબ્દિક સ્વાગત કર્યું હતું.મહાનુભાવોએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કર્યું હતું.ઉપસ્થિત તમામને વિકસિત ભારત શપથ લેવડાવવામાં આવ્યા હતાં.મંત્રીશ્રીએ નાગરિકો વચ્ચે જઈ યોજનાઓના લાભો આપવા માટેના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વેશ્રી જીતુભાઈ વાઘાણી,શ્રીમતી સેજલબેન પંડયા,મેયરશ્રી ભરતભાઈ બારડ,ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા,નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ,ડેપ્યુટી કમિશનરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ સહિતના મનપાના હોદ્દેદારો,કોર્પોરેટરશ્રીઓ,અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.