બોરસદ તાલુકાના ડાલી અને બનેજડા ગામો ખાતે યોજાઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા વિધાનસભાના દંડક શ્રી રમણભાઇ સોલંકી
આણંદ, સોમવાર :: વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસને વધુ ઝડપે આગળ ધપાવવાના હેતુ સાથે સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રારૂપી જનઆંદોલનની શરૂઆત કરી છે.
જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડાલી ગામે અને બનેજડા ગામ ખાતે ગુજરાત વિધાનસભાના દંડકશ્રી રમણભાઇ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દંડકશ્રી એ ગ્રામજનોને સરકારી યોજનાઓનો ગામ ખાતે જ આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશમાં અવિરત ગતિએ થઈ રહેલા વિકાસમાં સૌ કોઇને સહભાગી બનવાનો સંદેશ આપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય વિશે જાણકારી આપી હતી..
કાર્યક્રમના ભાગરૂપે શરૂઆતમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો માટે સરકાર અને વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારભાવ પ્રગટ કરી પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.
જલજીવન મિશન અંતર્ગત ડાલી અને બનેજડા એમ બન્ને ગ્રામ પંચાયતને હર ઘર જલ ગ્રામ જાહેર થવા બદલ અભિનંદન પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ મહિલાઓને ગેસ સ્ટવ અને સિલિન્ડર, સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે તે માટે ટી.એચ.આર. પેકેટ તથા ટી.બી.ના દર્દીને પોષણ કીટ તથા અન્ય યોજનાકીય સહાયનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બન્ને ગામની શાળાઓના વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોને અનેકવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંરર્ગત કાર્યક્રમના સ્થળે જ સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં જેની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકસાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ડાલી અને બનેજડા ગામો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાના અગ્રણીઓ સહિત વિવિધ વિભાગના સંબંધીત અધિકારી-કર્મચારીશ્રી, શાળાના સ્ટાફગણ તેમજ બાળકો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ