સરકારની યોજનાએ મારું પોતાના પાક્કા મકાનમાં રહેવાનુ સપનુ સાકાર કર્યું
– લાભાર્થી બાબુભાઇઆર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આશીર્વાદરૂપ બનતી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ
આણંદ, બુધવાર :: રોટી,કપડા અને મકાન એ માનવજીવનની ત્રણ પ્રાથમિક જરૂરીઆતો છે. દરેક વ્યક્તિ રોટી અને કપડા જેવી જરૂરીયાત તો ગમે તેમ કરીને સંતોષી શકે છે પરંતુ માથા પર પાક્કી છત હોવી એટલે કે પોતાનું એક પાક્કુ મકાન હોય તેવું સપનુ દરેક વ્યક્તિ સેવતી હોય છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ ગરીબ વર્ગના વ્યક્તિઓના પાક્કા મકાનના સપનાને હકીકતમાં પરિવર્તીત કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ તમામ સરકારી યોજનાઓનો લાભ દેશના દરેક ભાગમાં વસતાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ છે ત્યારે દેશનો દરેક નાગરિક કોઇ પણ પ્રકારના સરકારી યોજનાકીય સહાય કે લાભથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. તેના લીધે આજે સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. આ યાત્રા તાજેતરમાં તારાપુર તાલુકાના રેલ ગામે પહોંચી હતી. જ્યાં યાત્રાના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની કાર્યક્રમ અંતર્ગત ગામના બાબુભાઇ કે જેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ હેઠળ રૂ. ૧.૨૦ લાખની સહાય મેળવી પોતાનું પાક્કું ઘર બનાવી શક્યા છે તેમણે પોતાની વાત રજૂ કરી હતી.
બાબુભાઇ જણાવે છે કે હું અને મારો પરિવાર સાથે રેલ ગામમાં નિવાસ કરીએ છીએ. હું અને મારી પત્ની બન્ને મજુરી કરીને જીવન વિતાવી રહ્યા હતાં અને જ્યાં એક તરફ રોજિંદુ ગુજરાન ચલાવવું જ ખૂબ મુશ્કેલ હોય જેના લીધે પરિવારને બે સમય પુરતો ખોરાક માટે પણ સંઘર્ષ કરવો પડે ત્યાં પોતાનું એક પાક્કુ મકાન બની શકે તે વાત તો અમારી કલ્પનામાં પણ નહોતી આવી.
વધુમાં તેઓ કહે છે કે હું અને મારો પરિવાર એક કાચા મકાનમાં રહેતા હતા. ઉનાળો, શિયાળો તો એક્વાર આમ તેમ કરીને અમે લોકો વાતાવરણના મારને સહન કરી લેતાં હતા પરંતુ ચોમાસાનો સમયગાળો અમારા માટે ખૂબજ કષ્ટદાયક રહેતો હતો. કારણકે એક બાજુ કાચા મકાનમાં પાણી ટપકતુ હોય, ઝેરી જાનવરની બીક રહેતી હોય જેના લીધે આખી આખી રાતના ઉજાગરા થતાં હતા. ત્યારે મારા છોકરાઓ મને પુછતા કે આપણું પાકુ ઘર કયારે થશે ? જેનો મારી પાસે કોઈ જવાબ ના હતો. મારું પણ સપનું હતું કે મારા અને મારા પરિવાર માટે પોતાનું એક પાક્કું મકાન હોય અને અમે પણ બીજા બધાની જેમ દરેક વાતાવરણમાં સુરક્ષિત અને શાંત ઊંઘ લઈ શકીએ.
સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં બાબુભાઈ જણાવે છે કે મારું નામ આવાસ પ્લસના સર્વેક્ષણ ડેટામાં હતું અને હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય તમામ માપદંડ પૂરા કરી રહ્યો હોવાથી અમારા ગામના તલાટીશ્રી અને ગ્રામ સેવક દ્વારા મારુ આવાસનું ફોર્મ ભરાવવામાં આવ્યું.
વર્ષ ૨૦૨૦-૨૧ માં અમારા ઝુપડામાં રહેવાના દિવસો દુર કરવામાં સ્વયં સરકાર નહીં પણ ઇશ્વરના આશીર્વાદ હોય એમ મને અને મારા પરિવારને અહેસાસ થયો. સરકારશ્રી ની પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ અંતર્ગત અમને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવી હતી. અમને કુલ રૂપીયા ૧.૨૦ લાખની રકમ સરકાર તરફથી સહાયરૂપે મળેલ છે. તેમજ એમ.જી.એન.આર.ઈ.જી.એ. અંતર્ગત ૯૦ દિવસની મજુરી પેટે રૂા.૨૧૫૧૦ નો લાભ પણ અમને મળ્યો છે.
આજે હું મારા પરિવાર સાથે પાકકા મકાનમાં રહીએ છીએ અને પોતાનું પાક્કું ઘર જોઈને ખૂબજ હર્ષની લાગણી અનુભવાય છે. અમને પાક્કું ઘર આપીને સરકાર દ્વારા મારી અને મારા પરિવારની સમસ્યાઓને નિવારવામાં આવી તે માટે હું અને મારો પરિવાર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ