રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
૧૭મી ડિસેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે નવનિર્મિત ટર્મિનલ બિલ્ડીંગ અને ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને સુરત ડાયમંડ બુર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, ત્યારે તેમણે કાર્યક્રમના આયોજન સંબંધિત જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. મંત્રીશ્રીને ડાયમંડ બુર્સના ડિરેક્ટરશ્રી મથુરભાઈ સવાણીએ જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓથી વાકેફ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રી સાથે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, ડિરેક્ટરશ્રી લાલજીભાઈ પટેલ સહિત આયોજકો, અગ્રણીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા.
નોંધનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગ અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.