એકતાનગર, સંજીવ રાજપૂત: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃધ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધાઓ જેવી કે, માર્ગો, રેલવે, એર કનેકટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હઝારિકા પૂલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ખાંડુએ એમ પણ જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણીજી અરુણાચલ પ્રદેશના હતા અને તેને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થાય છે. જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.
સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું કે, અહી પર્વતો ઉપર શૂન્ય ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભુખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે. ત્રણ દેશ સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે જણાવ્યું કે, ભારત સૌથી સુંદર રાષ્ટ્રો પૈકીનું એક છે. દેશના સરહદી વિસ્તારોને પ્રવાસન સાથે જોડી તેનો વિકાસ વધુ ઝડપી અને વેગવાન બનાવી શકાય તેવા આયામો ભરપૂર માત્રામાં રહેલા છે. સરહદી વિસ્તારોમાં સ્પિરિચ્યુઆલિટી સાથે સંસ્કૃતિ અને સભ્યતા સાથે ત્યાંના ધાર્મિક સ્થળોનો વૈભવ પણ રહેલો હોય છે. આ વિસ્તારના યુવાનો પણ ખૂબ ઉત્સાહિ હોય છે ત્યારે સરહદી વિસ્તારોમાં ટૂરિઝમના વિકાસ માટે સુરક્ષા પુરી પાડવામાં આર્મી સહયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં સરહદી વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે પ્રવાસીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું પડશે. સાથોસાથ ઈકો સિસ્ટમ સાથે આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ કરી સરહદી વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપી શકાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતાં શ્રી રાકેશ કપૂરે ઉમેર્યું કે, દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકાસાવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી આવા બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો રહેલી છે. ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.
ઉદ્ઘાટન સત્રના પ્રારંભે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અજિત બજાજે સૌનું સ્વાગત કરી અધિવેશનની ભૂમિકા આપી હતી. અંતે ગુજરાત પ્રવાસન નિગમના એમડી ડો. સૌરભ પારગીએ આભારદર્શન કર્યું હતું.
આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણોના સ્ટોલ ઉભા કરાયા છે જેનું પણ મહાનુભાવો ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સંસ્થાના ઉપપ્રમુખ વૈભવ કાલા, અધિકારીઓ સર્વ વ્યંકટેશ કટારે, અનિલ ઓરો, મોડેલ મિલિંદ સોમન ઉપસ્થિત રહ્યા હતા.