૫૧ હજારથી વધુ વ્યક્તિઓનું કરાયુ આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ
૧૦ હજારથી વધુ લાભાર્થીઓને સ્થળ ઉપરથી જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયા
જિલ્લાના ૩૯ ગામો ખાતે જમીન રેકોર્ડ ડિઝીટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ
જન ધન યોજના અંતર્ગત ૧૧૪ ગ્રામ પંચાયતો ખાતે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
૧૩૩ ગામો ખાતે આયુષ્માન કાર્ડ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
આણંદ, સોમવાર : દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત રથના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી તેના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડીને ગ્રામિણ વિસ્તારોને વિકાસની દિશામાં અગ્રેસર બનાવી વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૩૦ મી નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી આ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને ભારત સરકારની વિવિધ યોજનાઓ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી – માર્ગદર્શનની સાથે સબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને તેને સરકારશ્રીની યોજનાના લાભો સ્થળ ઉપર જ આપવામાં આવી રહયાં છે.
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરી રહ્યા છે અને ગામેગામ સાચા લાભાર્થીઓને તેના લાભ પુરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૩૦ મી નવેમ્બરથી આરંભાયેલી આ યાત્રા અત્યાર સુધીમાં ૧૯૦ ગ્રામ પંચાયતો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી પહોંચી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લાના ૧૮ દિવસના પરિભ્રમણ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાના લાભો પહોંચાડવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૧,૩૩૮ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ ૪૮,૨૨૪ વ્યક્તિઓની ટી.બી. રોગની તપાસ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ૧૦,૮૯૦ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનો રથ સબંધિત ગામ ખાતે પહોંચતા ત્યાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહયું છે. આ વેળા યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા ૧,૨૩૫ લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા છે.
આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે અંગેનું ૧૧૨ ગામો ખાતે ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ૧૮૬ ગ્રામ પંચાયતો ખાતે સોઇલ હેલ્થ કાર્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ૧૮૯ ગ્રામ પંચાયતો ખાતે જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત જલ જીવન મિશન અંતર્ગત ૧૬૨ ગ્રામ પંચાયતોમાં, જન ધન યોજના અંતર્ગત ૧૧૪ ગ્રામ પંચાયતોમાં, પી.એમ. કિસાન યોજના અંતર્ગત ૧૧૩ ગ્રામ પંચાયતોમાં અને ૧૩૩ ગ્રામ પંચાયતો ખાતે આયુષ્માન કાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને તેના લાભ આપવામાં આવ્યા છે. જયારે યાત્રાના માધ્યમથી અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં ૩૯ ગ્રામ પંચાયતો ખાતે ૧૦૦ ટકા જમીન રેકોર્ડ ડિઝીટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આમ, આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શુભારંભ બાદના ૧૮ દિવસ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ગ્રામ પંચાયત ખાતે ઘેર બેઠા જ આપવામાં આવી રહ્યા હોવાનું તથા લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી સહાય દ્વારા થયેલ ફાયદાઓ અંગે પણ પ્રતિભાવો આપી રહ્યા હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીકા પરમારે એક મુલાકાતમાં જણાવ્યું છે.
રિપોર્ટ ભુમિકા પંડ્યા આણંદ