પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા ૨૯૯૩ કરોડના ખર્ચથી ૧,૩૧,૪૫૪ પી.એમ.આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
જેનાં ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં આઠ વિધાનસભા બેઠકો ખાતે આવાસોનાં ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ઉપસ્થિત લોકોએ બનાસકાંઠાના ડીસા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આવાસ યોજનાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું.
કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો.
જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે ‘ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, ત્યારે લાખો લોકોને પોતાનું ઘર મળે એવું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સપનું જોયું અને હવે એ સપનું સાકાર થયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં સીધાં જ રૂપિયા જમા કરવા જેવી તબક્કાવાર સુવિધાઓના ઉપક્રમે છેવાડાના જનજનને લાભ થયો છે.
ભાવનગર જિલ્લામાં મહુવા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-મહુવા ખાતે ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,તળાજા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-તળાજા ખાતે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,ગારીયાધાર વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-ગારીયાધાર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રૈયાબેન મિયાણી અને ધારાસભ્યશ્રી સુધીરભાઈ વાઘાણી,પાલિતાણા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-પાલિતાણા ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા,ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,સીદસર ખાતે જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકી, ગઢડા વિધાનસભામાં એ.પી.એમ.સી. ધોળા(જં) ખાતે ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા,તેમજ ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભાનો કાર્યક્રમ તરસમીયા ઝોનલ ઓફિસ ખાતે ધારાસભ્યશ્રી સેજલબેન પંડયા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર- ચિત્રા ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી અને મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન.વી.ઉપાધ્યાય ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા ચાવી વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કરી જિલ્લા તંત્ર તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.