ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ૬૬ કેન્દ્રો પર અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહના ૩૬ કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહના ૦૬ કેન્દ્રો પર યોજાશે
ધોરણ ૧૦ માં ૪૯,૯૭૭ પરિક્ષાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૨૭,૮૭૦ અને વિજ્ઞાન પ્રવાહના ૫૭૯૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે
કયુ આર કોડથી પરીક્ષા કેન્દ્રોની માહિતી, પરીક્ષા કેન્દ્ર પર મેડિકલ સુવિધા અને ઈમરજન્સી નંબર ૧૦૦ ની સેવા સુનિશ્ચિત કરવા જણાવતા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ
વિવેકબુદ્ધિ અને માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીઓ સાથે વર્તવા તમામને સૂચન કરતા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે પરીક્ષા સંદર્ભે આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધીત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.૧૦ (S.S.C) અને ધો.૧ર(H.S.C) સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ: ૧૧/૦૩/૨૦૨૪ થી તારીખ : ૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા ૬૬ કેન્દ્રો પર , ૧૮૧ પરીક્ષા બિલ્ડીંગના ૧૭૬૧ બ્લોકમાં યોજાશે. ધોરણ ૧૦ માં આ સાલ ૪૯,૯૭૭ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહના ૩૬ કેન્દ્રો પર ૮૬ પરીક્ષા બિલ્ડીંગના ૯૨૯ બ્લોકમાં યોજાઈ રહી છે. જેમાં ૨૭,૮૭૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૦૬ કેન્દ્રો પર, ૨૫ પરીક્ષા બિલ્ડીંગના ૨૯૭ બ્લોકમાં યોજાશે. જેમાં ૫૭૯૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
પરિક્ષાઓના સુચારુ આયોજન માટે બિલ્ડીંગ કન્ડક્ટર, ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, વહિવટી મદદનીશ અધિકારી, સરકારી પ્રતિનિધિ અને રિઝર્વ કર્મચારીઓની નિમણુંક અને તાલીમ સહિત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પરીક્ષાલક્ષી તમામ આયોજનને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પરીક્ષા યોગ્ય વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષાના દિવસે બાળકો ઉપર પરીક્ષાનો ખોટો ભય ઉભો ન થાય, બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે, પરીક્ષા સ્થળે પહોંચવામાં ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને, બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે તે માટે જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ છે.
જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે પરીક્ષાઓ સારી રીતે લેવાય, વિધાર્થીઓ નિર્ભયતાથી, આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે કેટલાક સૂચન કરી જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો હતો.જેમાં પાણી, વીજળી, આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરિક્ષાર્થીને મળી રહે એ માટે કયું આર કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પ્રસારિત કરવા, દરેક પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મુકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઈમરજન્સી નંબર 100 પર કોલ કરવાની જરૂરી વ્યવસ્થા થઈ શકે એવું આયોજન કરવા જણાવ્યું હતું.પાલનપુર એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ માટે મૂંઝવણરૂપ ન બને એવી રજૂઆતના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના દિવસો દરિમયાન ટ્રાફિકની જાળવણી માટે પોલીસ વિભાગને તકેદારી રાખી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.
વધુમાં કલેકટરશ્રીએ બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી શકે એ માટે ચાઈલ્ડ હેલ્પ લાઈનની સુવિધા અને કાઉન્સિલરની મદદ સાથે સ્થળ નિરીક્ષક, આચાર્યશ્રી કે શિક્ષકના નંબર વિધાર્થીઓને પુરા પાડવા માટે પણ જણાવ્યું હતું. પરીક્ષા દરમિયાન કલમ ૧૪૪ અંગેનું જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ, ઝેરોક્ષ મશીનની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્રો પર બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામનો અમલ થાય એ માટેની તાકીદ કરી S.S.C.E અને H.S.C.E સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિધાર્થીઓને તેમજ જિલ્લામાં પરીક્ષાની કામગીરી કરનાર તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રી દ્વારા સુચારુ પરીક્ષા યોજાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તમામને વિવેકબુદ્ધિ અને માનવીય અભિગમ રાખી વિદ્યાર્થીઓ સાથે વર્તવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી હિતેશ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી