માર્ચ ૨૦૨૪ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજવાની ત્યારે શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેક્ટર્સ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીડિયો કોન્ફરન્સમાં મંત્રીશ્રી સમક્ષ ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા પરીક્ષા અંગે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીએ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-2024ના સફળ સંચાલન માટેના ભાવનગર જિલ્લાના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી હતી.
આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ભાવનગર કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઈ પટેલ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.