આણંદ, શુક્રવાર :: કામધેનુ વિશ્વવિદ્યાલય,આણંદની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે જેન્ડર ચેમ્પિયન ક્લબના નેજા હેઠળ “Invest in Women: Accelerate Progress” થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,આણંદના આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. પી. એચ. ટાંકના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. પાર્વતી ગોસાઈ મુખ્ય અતિથિ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના એલએફસી વિભાગના વડા ડૉ. કે. રવિકલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ. કે. રવિકલાએ સમાજની પ્રગતિને વેગ આપવા માટે મહિલા પશુચિકિત્સકનું યોગદાન” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓની સહભાગીતાના મહત્વ અંગે જણાવી પશુચિકિત્સા વ્યવસાયમાં રોકાયેલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની ભૂમિકા અને યોગદાન વિશે વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી.
આ પ્રસંગે ડૉ. પાર્વતી ગોસાઈએ ‘સ્ત્રી કા મન મજબૂત તો વિશ્વ મજબૂત’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું અને સમાજને સશક્ત બનાવતી મહિલાઓની સકારાત્મક માનસિકતા અને વિચાર શક્તિનું મહત્વ સમજાવ્યુ હતું.
આ તકે ડૉ. પી.એચ. ટાંકે કોલેજ કક્ષાએ જેન્ડર ચેમ્પિયન કમિટીની રચનાની અગત્યતા જણાવી વિદ્યાર્થીઓને ચારિત્ર્યની શક્તિ સાથે શિસ્તયુક્ત જીવનની મહત્વતા સમજાવી હતી.
આ તકે મહાવિદ્યાલયના જેન્ડર ચેમ્પિયન વિદ્યાર્થી ડૉ. પ્રિયમ અગ્રાવતે જેન્ડર ચેમ્પિયન કમિટીની રચના અને કાર્યોનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.
પ્રારંભમાં ડૉ. ભાવિશા પટેલે સૌનો આવકાર કર્યો હતો. જ્યારે કાર્યક્રમના અંતમાં ડૉ.વૈદેહી સરવૈયાએ આભારદર્શન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ