અમદાવાદ, સંજીવ રાજપૂત: તટરક્ષક હેડક્વાર્ટર, નંબર 1 તટરક્ષક જિલ્લા (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા પોરબંદર ખાતે એક એરિયા લેવલ પોલ્યુશન રિસ્પોન્સ સેમિનાર અને વર્કશોપ તેમજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય સમુદ્રમાં ઓઇલ ગળતરના ફેલાવાને રોકવા માટે પ્રતિસાદના વ્યવસ્થાતંત્ર અને SOPને પુનઃપ્રમાણિત કરવાનો અને ભારતીય તટરક્ષક દળને એરિયા ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર આપદા યોજનાને અનુરૂપ બનાવવા માટે સક્ષમ બનાવવાનો હતો.
રાજ્ય વહીવટીતંત્ર, GMB બંદર, ખાનગી બંદરો, મત્સ્યોદ્યોગ, વન વિભાગ, પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને અન્ય ઓઇલ સંચાલન એજન્સીઓના વિવિધ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલી મોક ડ્રીલમાં, ICGS સમુદ્ર પાવક પર પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સમુદ્ર/નદી બૂમ્સ, સાઇડ સ્વીપિંગ આર્મ્સ, સ્કિમર્સ અને સ્પિલ સ્પ્રે આર્મ્સનું સંચાલન અને તેલના ગળતરનું નિયંત્રણ, પુનઃપ્રાપ્તિ અને સંગ્રહ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.