પોરબંદર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત આ ઉજવણીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ અને સ્વચ્છતા હી સેવા અભિયાનના સાત વર્ષ નિમિત્તે આજે વર્ષ 2024 ની 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું.
સ્વચ્છતા પરનું વડાપ્રધાન નું પ્રેરણાદાયી પ્રવચન સૌ મહાનુભાવો અને નાગરિકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.
સ્વચ્છ ભારત દિવસ ઉજવણીના ઉપલક્ષમાં પોરબંદર ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું કે સ્વચ્છતા એ કોઈ કાર્યક્રમ નથી પરંતુ એક જીવનશૈલી છે અને તેને આપણે અપનાવીએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીની વિચારધારાને યાદ કરતા મુખ્યમંત્રી એ કહ્યું કે, સત્ય, સમાનતા, સદાચાર, સ્વચ્છતા, સ્વાવલંબન, સ્વરાજ્ય અને સેવા ગાંધીજીની વિચારધારા પ્રસ્તુત કરે છે. સ્વચ્છતા માનવ જીવનના સહજ સ્વભાવમાં વણાવી જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીની સ્વચ્છતા અંગેની વિચારસરણી આગળ ધપાવી છે. વડાપ્રધાનની આગેવાનીમાં દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યનો દરેક નાગરિક સ્વચ્છતાને દૈનિક ધોરણે પોતાના જીવનમાં અપનાવે એવો પણ અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં બહેનો અને બાળકોના સિંહ ફાળાને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા તો બહેનોના સ્વભાવમાં સહજતાથી વણાયેલી હોય છે. સ્વચ્છતા અભિયાનની નવી પેઢી પર એટલી અસર થઈ છે કે, હવે તો નાના બાળકો પણ ચોકલેટના રેપર અથવા વેફરના પડીકાઓ કચરાપેટીમાં જ નાખે છે. વડીલ અથવા પરિવારના સભ્યો જો રસ્તા પર કચરો નાખતા હોય તો બાળકો તેમને ટોકે છે. જે આનંદની વાત છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણા અને દિશાદર્શન થકી રાજ્યમાં સ્વચ્છતાલક્ષી અનેક કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં પ્રત્યેક નાગરિકની વ્યક્તિગત ભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
સ્વચ્છતા અને ગાંધીજી એકબીજાના પૂરક હોવાનું જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીજી એ વ્યક્તિ નહીં પરંતુ મહા માનવ છે અને તેના વિચારોમાં સ્વચ્છતાને અગ્રીમતા છે. ગાંધીજી સ્વચ્છાગ્રહી હતાં એવી જ રીતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી વડાપ્રધાનના પ્રેરણાદાયી માર્ગદર્શનમાં સમગ્ર રાજ્ય આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનએ ગ્રીન ગ્રોથ સાથે પર્યાવરણ આધારિત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો છે તેમ જ આપણે સૌએ સ્વચ્છતાને સ્વભાવ બનાવી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો રોડમેપ બનાવીશું એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી એ એવું વ્યક્તિત્વ છે, જેમણે દેશ સહિત સમગ્ર વિશ્વને દિશાદર્શન આપ્યું છે. ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇ અનેક દેશોએ ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવ્યો છે. સ્વચ્છતા એક સ્વભાવ બને, સ્વચ્છતા એક જીવનશૈલી બને એ માટે ગાંધીજીએ અનેક પ્રયાસો કર્યા છે. જે સરાહનીય છે. સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે સ્વચ્છ રાષ્ટ્ર હોવું જરૂરી છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી વિકસિત ભારતના રોડ મેપનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારત જ્યારે પોતાની આઝાદીનું શતાબ્દી વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને વિકસિત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. વડાપ્રધાન ના પાંચ પ્રણ વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કરશે આ રોડ મેપનો એક મહ્ત્વનો ભાગ સ્વચ્છતા છે.
અમૂલ્ય ભારતીય વારસાનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું કે, ભારતીય લોકો પાસે જંગી વિરાસતનો અમૂલ્ય ખજાનો પડ્યો છે. આપણી જીવનશૈલી, રીતરિવાજ, ઉપાસનામાં વિજ્ઞાન સમાયેલું છે. સ્વચ્છતા હી સેવા અભિયાનથી ‘સ્વસ્થ દેશ, સ્વચ્છ દેશ’ની વિભાવના સાકાર થશે.
‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કુતિયાણાને શ્રેષ્ઠ તાલુકા એવોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત રાણાવાવ તાલુકાને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ, સ્વચ્છતાલક્ષીત એકમોની સંપૂર્ણ સ્વચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગીદારીથી મેગા ક્લિનિંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ કરી સંપૂર્ણ પરિવર્તનની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘોડદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જનભાગીદારી સાથે સફાઈ કામગીરી કરનાર વૉર્ડ નં-૯, વૉર્ડ નં-૧૦ અને વૉર્ડ નં-૧૨ના અનુક્રમે પ્રભાબહેન, દક્ષાબહેન અને સરલાબહેનનું સન્માન કરાયું હતું અને પોરબંદરના કમલાબાગ, કિર્તીમંદિર અને બગવદર પોલીસ સ્ટેશનને સ્વચ્છતાલક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર-છાંયા નગરપાલિકા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર આર.એમ.રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયમમાં રેખાબા સરવૈયા, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.