અક્ષરવાડી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના દિવસે સાંજના 5.30 કલાકે ઠાકોરજીની હાજરીમાં તથા વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, કોઠારી સંત પૂ. યોગવિજય સ્વામી તથા સંતોના પાવન સાનિધ્યમાં વૈદિક વિધિ પૂર્વક ચોપડા પૂજન કરવામાં આવ્યું. જેમાં ૫૦૦ થી વધુ ભાવિકોએ પોતાના વેપાર ધંધાના ચોપડા, લેપટોપ વગેરે લાવી ચોપડા પૂજનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ પ્રસંગે સોમપ્રકાશ સ્વામી સૌ ઉપર આશીર્વાદ આપતા જણાવ્યું કે આવનારું વર્ષ સૌ માટે સુખ સમૃદ્ધિ યુક્ત બને, સૌના ચોપડા ભરેલા રહે એટલે કે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય. શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય અને સત્કાર્યોમાં આ લક્ષ્મીનો ઉપયોગ થાય.
આ પ્રસંગે ભાવનગર શહેરમાં રોજગાર, વેપાર ધંધામાં તેજી આવે, શહેરનો સારામાં સારો વિકાસ થાય, સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય, સૌનું સ્વાસ્થ્ય સારું રહે, રાજ્ય અને દેશની પ્રગતિ થાય સમગ્ર વિશ્વમાં શાંતિ થાય એ માટે ઠાકોરજી સમક્ષ ધૂન કરવામાં આવી હતી.
ચોપડા પૂજન બાદ સાંજે 7 કલાકે મંદિરના પરિસરમાં 4000 થી વધુ ભાવિકોએ દીવડાઓ પ્રગટાવી સમૂહમાં ભગવાનની મહાઆરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને નૂતન પ્રકલ્પ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.
તા. 2.11.24 શનિવાર ના રોજ મહા અન્નકૂટોત્સવ અંતર્ગત ભગવાન સમક્ષ 1200 થી વધુ વાનગીઓનો ભવ્ય મહા અન્નકૂટ થશે. સવારે 10.30 થી સાંજના 7 વાગ્યા સુધી ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થશે.