એબીએનએસ સુરત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં જૈન વિદ્યા એવં તુલનાત્મક ધર્મ તથા દર્શન વિભાગ, પ્રાકૃત એવં સંસ્કૃત વિભાગ, યોગ એવં જીવન વિજ્ઞાન વિભાગ, અહિંસા એવં શાંતિ વિભાગ, શિક્ષા વિભાગ,
અંગ્રેજી વિભાગ તેમજ આચાર્ય કાલુ કન્યા મહાવિદ્યાલય મળી ૧૯૧૭ યુવા છાત્ર-છાત્રાઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓમાં ઉચ્ચ સ્થાન મેળવનારા ૧૦ વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ અને આચાર્ય મહાશ્રમણજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ભારતીય સંવિધાનમાં વ્યક્તિની ગરિમાને વિશેષ સ્થાન મળ્યું છે. જ્ઞાન અને ચરિત્રનું શ્રેષ્ઠ નિર્માણ કરતી જૈન વિશ્વ ભારતી સંસ્થાનું મહત્વનું યોગદાન છે. આ દેશની પ્રથમ મોબાઈલ(ચલિત) સંસ્થા છે. જેમાં ભ્રમણ કરતા કરતા લોક ચરિત્રને આત્મસાત કરી શકાય છે. સમાનતા અને સમાનુભૂતિને મહત્વ આપતી આ સંસ્થા લોકોમાં જીવન મૂલ્યોનું શિક્ષણ આપે છે.
વધુમાં જૈન વિશ્વ ભારતી સંસ્થાના સિધ્ધાંતો અને વિષયોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સરખાવતા તેમણે બાળકોમાં સૌ પ્રથમ આદર્શ મૂલ્યોની સ્થાપના પર મૂકાતા ભારણ વિષે વાત કરી હતી. વિદ્યાર્થીઓને ડિગ્રી અને વિષયમાં દક્ષ્યતા હાંસલ કરવાની સાથે મનની દક્ષ્યતા મેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અહિંસા પર ચાલતા જૈન ધર્મની જેમ જ ભારત દેશના મૂળમાં પણ યુગોથી અહિંસાને પ્રાધાન્ય અપાયું છે.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ દિનેશ મહેશ્વરીનું ડી-લિટની વિશેષ ઉપાધિ સાથે સન્માન કરાયું હતું. આચાર્ય મહાશ્રમણજીએ વિદ્યાર્થીઓને જીવન અને જ્ઞાનનું મહત્વ સમજાવી શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં જૈન વિશ્વ ભારતી સંસ્થાના કુલસચિવ અજય પાલ કૌશિક, ચાન્સેલર અર્જુનરામ મેઘવાલ, વાઇસ ચાન્સેલર પ્રો.બી.આર.દુગ્ગર ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકો, દીક્ષાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.