નોકરી કર્યા વગર હરામનો પગાર ખાતા રીઢા કર્મચારીઓની હકાલપટ્ટી કરવા ઉઠતી વ્યાપક માગ
વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાં ધેલા નદી પર આવેલા રિવરફ્રન્ટમાં બાળકોનો કલરવ સંભળાવવો જોઈએ ત્યાં રિવરફ્રન્ટની અંદર શ્વાનો રખડી રહ્યા છે. એક કરોડને આઠ લાખમાં આ રિવરફ્રન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જ્યારે રિવરફ્રન્ટ એરિયામાં બાળકો માટેના સુંદર મજાના
હિંચકા, લસરપટ્ટી અનેક એવા મનોરંજનના સાધનો નાખવામાં આવ્યા હતા.
આજે આ સાધનો ટુટેલી હાલત ભંગાર જેવા જોવા મળે છે. રિવરફ્રન્ટમાં બાકડા, હિંડોળા અને લોકોના આકર્ષણના કેન્દ્ર સમાન પાણીના ફુવારા પણ મૂકવામાં આવ્યા હતા. આજે તે ફુવારો બંધ હાલતમાં છે. ખાસ વાત તો એ છે આ રિવરફ્રન્ટની અંદર જે તે સમયના પ્રમુખના માનીતાઓને નોકરી આપી દેવામાં આવી હતી.
આવો સ્ટાફ 15,000 જેટલા માતબર પગારની નોકરી કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4થી 9 સુધીની ફરજ નિભાવવાની છે એવો સ્ટાફ નોકરી પર હાજર જ હોતો નથી. સ્થળ પર કોઈ ચોકીદાર જ નથી તો પગાર શેનો આપવાનો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
આ બાબતે નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખને જણાવતા પ્રમુખ ભાવનગર મિટિંગમાં હોય એવું વિજયસિંહ ગોહિલ જણાવ્યું હતું. જ્યારે બાંધકામ ચેરમેનને ટેલીફોનિક જાણ કરતા તેઓ પણ આ હકીકતથી અજાણ હતા. નગરપાલિકાના કાયમી એન્જિનિયરને મીડિયાએ પૂછતા તેણે પણ હાથ ઊંચા કરી દીધા હતા.
આવા હરામખાયા તો અનેક કર્મચારીઓ છે કે જે તેમના પરમ પૂજ્ય પિતાજીની પેઢી હોય એ રીતે નોકરી કરી રહ્યા છે. આવા લાગતાં વળગતા કર્મચારીઓ વલ્લભીપુર પાલિકાના ગળે વળગીને પડ્યા હોય તેઓને ત્વરિત ફરજમુક્ત કરવા જોઈએ તેવી લોક માંગણી પ્રબળ બની રહી છે.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર