અમદાવાદ, સંજીવ રાજપૂત: શિક્ષણ એ માનવજીવનની પાયાની જરૂરિયાત છે. આ વાતને સાર્થક કરે છે અમદાવાદમાં આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ. ભારત સરકારના શિક્ષા વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ બુક ફેસ્ટિવલમાં NBT-નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા મોબાઈલ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ અભિયાનના ભાગરૂપે આ બસને અમદાવાદના દરેક ખૂણામાં મોકલવામાં આવી રહી છે. જે લોકોને સાક્ષરતા અભિયાન સાથે જોડવામાં મદદ કરે છે. જેનાથી શૈક્ષણિક જાગૃતિ વધારવામાં મદદ મળી છે.
નેશનલ બુક ટ્રસ્ટ (NBT) મોબાઇલ બસ એ એક નવીન પહેલ છે, જેનો હેતુ ગ્રંથપ્રેમીઓને પ્રોત્સાહન આપવાનો અને વાંચનની સંસ્કૃતિને વિસ્તૃત કરવાનો છે. નેશનલ બુક ટ્રસ્ટ, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ કામ કરતી એક સંસ્થા છે, જે સાહિત્યને પ્રોત્સાહન આપવા અને તેની પહોંચ લોકો સુધી વધારવા માટે કાર્યરત છે. NBTએ આજ સુધીમાં ગુજરાતી સહિત 65થી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. અમદાવાદની વાત કરીએ, તો અત્યાર સુધી રાણાપુર, ધંધુકા જેવા તાલુકાના વિવિધ ગામડાઓમાં અને શાળાઓ તેમજ કોલેજોમાં આ બસ મોકલવામાં આવી છે.
નેશનલ બુક ટ્રસ્ટ (NBT) મોબાઇલ બસ એક પ્રવાસી ગ્રંથાલયની જેમ કાર્ય કરે છે, જેમાં વિવિધ ભાષાઓના પુસ્તકોનો સંગ્રહ છે. આ બસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પુસ્તક પ્રદર્શનો અને વાંચન સંબંધી કાર્યક્રમો દ્વારા લોકોને વાંચન માટે પ્રેરિત કરે છે. ખાસ કરીને, ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં આ બસ પુસ્તકોની પ્રાપ્યતા સુનિશ્ચિત કરે છે અને વાંચનને પ્રોત્સાહન આપવાનું મહત્ત્વનું કામ કરે છે.
આ બસ નાનાં બાળકો માટેનાં પુસ્તકો, યુવાનો માટે શૈક્ષણિક પુસ્તકો અને વડીલો માટે મનોરંજક તથા જ્ઞાનવર્ધક પુસ્તકોનો ખજાનો લઈને વિવિધ સ્થળોએ પહોંચે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય અને જ્ઞાનની સહેલાઈથી પ્રાપ્યતા વધારવાનો છે તેમજ લોકોમાં વાંચન પ્રત્યેની અભિરુચિ જગાડવાનો છે.
ઉલ્લેખનીય છે કે, મોબાઈલ બસે અત્યાર સુધી અમદાવાદના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે. આગામી 5મી ડિસેમ્બરે આ બસ સેપ્ટ કોલેજ, 6મી ડિસેમ્બરે સચિવાલય, 7મી ડિસેમ્બરે ઇન્ફો સિટી કેમ્પસ, અને 8મી ડિસેમ્બરે આઈઆઈટી, ગાંધીનગર ખાતે જનાર છે.
પ્રાયોગિક ધોરણે મોબાઈલ બસની શરૂઆત થઈ અને કાયમી વ્યવસ્થા ઊભી થઈ
NBTની મોબાઈલ બસની પ્રેરણા એવા વિસ્તારો સુધી સાહિત્ય પહોંચાડવાની હતી જ્યાં પરંપરાગત લાઈબ્રેરી ઉપલબ્ધ ન હતી. આ પહેલનો ઉદ્દેશ શૈક્ષણિક સાહિત્ય, બાળકોના પુસ્તકો અને અન્ય પ્રેરણાત્મક સામગ્રીને લોકો સુધી પહોંચાડવાનો હતો. આ મોબાઈલ બસ પ્રોજેક્ટની શરૂઆત ૨૫ કરતાં વધુ વર્ષ પહેલાં રાજસ્થાન ખાતે થઈ હતી. સમય જતાં આ પહેલને ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી.
મોબાઈલ બસ કેવી રીતે કાર્ય કરે છે?
પુસ્તકોનો સંગ્રહ: બસમાં તમામ વયના અને રસના વાચકો માટે વિવિધ પ્રકારની ભારતીય ભાષાઓમાં પુસ્તકો રાખવામાં આવે છે.
પ્રવાસ સમયપત્રક: બસોને ખાસ રૂટ પર મોકલવામાં આવે છે. જેમાં શાળાઓ, ગામડાઓ અને શહેરી વિસ્તારો સામેલ છે.
સામુદાયિક જોડાણ: પુસ્તકોની સાથે-સાથે આ બસમાં વાંચન સત્રો, સાહિત્યની વર્કશોપ અને ચર્ચા યોજીને લોકો સાથે જોડાણ કરવાનું કામ થાય છે.
સહકાર: આ પ્રોજેક્ટ સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ, NGO અને સરકારી સંસ્થાઓ સાથે મળીને વધુ અસરકારક બને છે.