અમદાવાદ, સંજીવ રાજપૂત:
ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી રવાના થયેલી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે 23 જાન્યુઆરી 2025ના રોજ મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજ ખાતે પહોંચશે.
કોલેજના વિદ્યાર્થીઓ માટે IAF અને ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન યુવા માનસને પ્રેરણા આપવા અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓના જીવન તેમજ કામગીરી વિશે સીધી સમજ પૂરી પાડવા પર કેન્દ્રિત રહેશે.
IPEV કવાયતમાં ખાસ ડિઝાઇન કરવામાં આવેલું પ્રદર્શન વાહન છે જે ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીના વિવિધ વિકલ્પો પર પ્રકાશ પાડે છે જેમાં ફ્લાઇંગ, ટેકનિકલ, ગ્રાઉન્ડ અને વહીવટી શાખાઓમાં રહેલી તકોનો સમાવેશ થાય છે.
આ તકો અંગે વાહનમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વીડિઓ અને પ્રેઝન્ટેશન પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધા જોડાવાની તક આપશે. વાયુસેનાના અધિકારીઓ ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા, તાલીમ અને કારકિર્દીમાં પ્રગતિ વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડશે.
આજે, ભારતીય વાયુસેના ટેકનોલોજીની દૃષ્ટિએ સૌથી અદ્યતન અને વૈશ્વિક સ્તરે આદરણીય વાયુસેના પૈકી એક ગણવામાં છે. મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કૌશલ્યવાન અને અનુભવી ટીમ સાથે રૂબરૂમાં સંવાદ કરવાની તક પૂરી પાડવાનો અમને આનંદ છે. આ ટીમ વિદ્યાર્થીઓને વાહક સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે અને તેમને ગૌરવભેર રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરશે.
અમે બધા વિદ્યાર્થીઓ અને મહત્વાકાંક્ષી ઉમેદવારોને આ માહિતીપ્રદ સત્રમાં હાજરી આપવા માટે અને ભારતીય વાયુસેનામાં કારકિર્દીની રોમાંચક સંભાવનાઓ શોધવા માટે આમંત્રણ આપીએ છીએ. આ કાર્યક્રમ બધા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે.