સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગામનો છોકરો, કામનો છોકરોના સૂત્રને વારંવાર સાર્થક કરતા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે કુલ ૩ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂ. ૬.૪૨ કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ૯.૪૨ કરોડના વિશેષ કામો વિરમગામ માટે મંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરમાં રૂપિયા ૩ કરોડની અત્યંત આધુનિક લાઈબ્રેરી બનશે તેમજ ઝાલાવાડી સોસાયટી પાછળ આવેલા તળાવના બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકારે ૬.૪૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
વિરમગામ શહેરમાં લાઇબ્રેરી બનવાથી સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને વાંચવાની શ્રેષ્ઠ તક મળશે. પંચમુખી હનુમાન ચોકડી આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ સોસાયટી બનેલ છે, આ વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા માટે ૬.૪૨ કરોડના ખર્ચ તળાવનો વિકાસ કરવામાં આવશે.
આમ, ધારાસભ્ય હાર્દિક પટેલ સતત વિકાસના કામો મંજૂર કરાવી રહ્યા છે. આ સમગ્રતયા નગરપાલિકાના વિસ્તારની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જન જીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.