૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૯ થી ૧૨ માર્ચ સુધી “નમો સખી સંગમ મેળા” નું આયોજન કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે.
જે અંતર્ગત ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સ્વ-સહાય જૂથની મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે, મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ રૂપે તા. ૯ માર્ચ થી ૧૨ માર્ચ-૨૦૨૫ દરમિયાન ભાવનગર ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ માટે “નમો સખી સંગમ મેળાનું” જવાહર મેદાન- ભાવનગર ખાતે આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. ૯ માર્ચ ૨૦૨૫ ના રોજ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા કરવામાં આવનાર છે. “નમો સખી સંગમ મેળા” માં તા. ૯ માર્ચ થી ૧૧ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સ્વસહાય જૂથો અને ગ્રામ સંગઠનોને યોજનાકીય લાભોનું વિતરણ, લખપતિ દીદીઓને સન્માનિત કરવી, સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ તથા સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટના પ્રદર્શન માટે ૧૦૦ સ્ટોલ અને ભાવનગર અને બોટાદ જિલ્લાની ૪૦ મહિલાઓને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ વિતરણ કરાશે. ઉદ્યોગ સાહસિકતા વિષયક અને મહિલાઓ આરોગ્ય વિષયક સેમિનાર તેમજ પ્રાકૃતિક કૃષિ અને સ્ત્રી સશક્તિકરણ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.