નવસારી, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન’માં જણાવ્યું કે, પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે.
તેમણે લખપતિ દીદીઓને સન્માનિત કરતાં કહ્યુ કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે, પરિણામે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણીમાં સહભાગી થયા હતા. વડાપ્રધાનના હસ્તે રાજ્યના ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરી હતી.
લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનએ લોન્ચિંગ પણ કર્યું હતું.
વડાપ્રધાનએ આ સમારોહ માટેના સભા મંડપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આયોજિત ૩૩ જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાના વિશેષ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામવિકાસ વિભાગ) દ્વારા આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ઉપસ્થિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની ૧ લાખ મહિલાઓને સંબોધતા વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ- બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી, પરંતુ પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણી સમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે, ત્યારે દેશ વિમેન લેડ ડેવલપમેન્ટ- મહિલાકેન્દ્રી વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાનએ ગર્વથી કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યું છે.
ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવનધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરીને આર્થિક પગભર કરી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લખપતિ દીદી પરિવારની પ્રગતિનો આધાર બની રહી છે એમ પણ વડાપ્રધાનએ કહ્યું હતું.
ગાંધીજી કહેતા કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે, ત્યારે આ વાસ્તવિકતાને આધુનિક ભારત સાથે જોડીને ‘ગ્રામીણ ભારતનો આત્મા ગ્રામ્ય મહિલાઓમાં વસે છે’ એમ વડાપ્રધાન મોદીએ ગૌરવભેર જણાવ્યું હતું. આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર આ યોજનાએ દેશની લાખો મહિલાઓના જીવનને સશક્ત કર્યું છે. લખપતિ દીદી યોજનાની શરૂઆતથી આજ સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં સરકારે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગુજરાતમાં ૧.૫૦ લાખ લખપતિ દીદી છે અને ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની ૧૦ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન છેડ્યું છે, તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં ચિરંજીવી યોજના, કન્યા કેળવણી- બેટી બચાવો, બેટી પઢાઓ, મમતા દિન, કુંવરબાઈનું મામેરૂ, સાત ફેરા સમૂહલગ્ન, અભયમ હેલ્પલાઈન જેવી અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ શરૂ કરી હતી, આ યોજનાઓએ લાખો બહેનોના સર્વાંગી વિકાસનો માર્ગ કંડાર્યો છે. જ્યારે નીતિ અને નિયત સાચી હોય ત્યારે નારી સામર્થ્ય અવશ્ય ઉજાગર થાય છે એ રાહ ગુજરાતે સમગ્ર દેશને ચીંધી છે એમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.
ગુજરાતે સહકારિતા ક્ષેત્રનું સફળ મોડેલ આપ્યું છે, તેના મૂળમાં લાખો મહિલાઓનો પરિશ્રમ છે. ગામે ગામ દૂધ ઉત્પાદનની ક્રાંતિ સર્જનાર અમૂલ, ગૃહ ઉદ્યોગને નવી ઊંચાઈ આપનાર લિજ્જત પાપડ જેવી ગ્લોબલ બ્રાન્ડની સફળતાનો શ્રેય ગ્રામ્ય મહિલાઓના ફાળે જાય છે એમ જણાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને તાકાત આપવામાં મહિલાઓની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, દેશની ૧૦ કરોડથી વધુ મહિલાઓ ૧૨ લાખ જેટલા સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે. જે પૈકી ત્રણ લાખ સખીમંડળો ગુજરાતમાં કાર્યરત છે. SHG ગૃપોને ગેરેન્ટર વિના રૂ.વીસ લાખની લોનસહાય કેન્દ્ર સરકાર આપી રહી છે, જે અમારી સરકારનું મહિલાઓ પર સંપૂર્ણ વિશ્વાસનું પગલું છે. આ પહેલ દેશમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપશે.
વિશ્વ મહિલા દિવસે મહિલાઓની સુરક્ષા માટે સરકારે લીધેલા અનેકવિધ પગલાંઓ, નિર્ણયોની છણાવટ કરતા વડાપ્રધાનએ કહ્યું કે, મહિલા અપરાધો આચરતા ગુનેગારોને સખ્ત અને ઝડપી સજા થાય એ માટે દેશમાં ૮૦૦ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે. જેના થકી રેપ અને પોકસોના ત્રણ લાખ કેસોમાં ઝડપી ચૂકાદાઓ આવ્યા છે અને સમાજના રાક્ષસોને ફાંસી, આજીવન કેદ જેવી કડક સજા મળી છે. રેપ કેસમાં ૭ દિવસમાં આરોપપત્ર તેમજ ૪૫ દિવસમાં સજા થાય એવી જોગવાઈ કરી છે.
તેમણે કહ્યું કે, પીડિત મહિલાઓ દેશના કોઈ પણ પોલીસ સ્ટેશન મારફતે e-FIR થી ફરિયાદ નોંધાવી શકે છે. ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ પર આચરવામાં આવતા ગુનાઓ સામે ન્યાય મળે એવી સ્પષ્ટ અને કડક જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે એમ જણાવી મહિલાઓના સન્માન, સ્વમાન અને સુરક્ષા કરવામાં કોઈ પણ અવરોધ નહીં આવે તેની દેશની કરોડો મહિલાઓને ખાતરી આપી હતી.
વડાપ્રધાનએ કહ્યું કે, મહિલા જ્યારે આજીવિકા મેળવવાનું શરૂ કરે છે, ત્યારે સમાજમાં તેનો સામાજિક દરજ્જો ઊંચો થઈ જાય છે. આવક વધવાની સાથે પરિવારની ખરીદશક્તિ પણ વધે છે. જ્યારે એક બહેન ‘લખપતિ દીદી’ બને છે ત્યારે સમગ્ર પરિવારનું ભાગ્ય બદલાઈ જાય છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ગતિએ ડગ માંડી રહેલા ભારતના વિકાસમાં મહિલાઓના યોગદાનની નોંધ લેતા વડાપ્રધાનએ ભૂતકાળમાં મહિલા વિકાસ પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે મહિલાઓને વર્તમાન સરકારેલા આપેલા સન્માન સંદર્ભે કહ્યું કે, જરૂરિયાતમંદો માટે આવાસોના માલિક મહિલાઓ બને તે પરંપરા ગુજરાતે શરૂ કરી હતી, જે આજે સમગ્ર દેશમાં લાગુ થઈ છે. PM આવાસ યોજના હેઠળ દેશની ૩ કરોડ મહિલાઓ ઘરની માલિક બની છે.
મહિલાશક્તિના મહેરામણ સમા આ સમારોહમાં ઉપસ્થિત માતાઓ-બહેનોને વંદન કરી મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાનએ જણાવ્યું કે, આજે અર્પણ થયેલી ૪૫૦ કરોડની સહાય અનેક મહિલાઓને ‘લખપતિ દીદી’ બનવાની પ્રેરણા આપશે.
આ પ્રસંગની વિશેષતા એ રહી કે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહિલા દિવસે મંચ પર લખપતિ દીદીઓએ અગ્ર હરોળમાં સ્થાન શોભાવ્યું હતું. વડાપ્રધાનએ લખપતિ દીદી સંમેલનમાં મહિલા પોલીસ અધિકારી-કર્મીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે એ જાણીને મહિલા પોલીસકર્મીઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નારીશક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. વડાપ્રધાનએ ‘સૌના સાથ, સૌના વિકાસ’નો જે મંત્ર આપ્યો છે, તેમાં નારીશક્તિના વિકાસને તેમણે હંમેશા પ્રાથમિકતા આપી છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના દીકરીઓના લખપતિ દીદી બનાવવાના પ્રયાસોને બિરદાવતા કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર-પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. એટલું જ નહિ, બહેનોના હુનર-કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળોનો વિચાર વડાપ્રધાનએ આપ્યો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનએ ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલોટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. આ યોજનાના માધ્યમથી બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે અને લખપતિ દીદી બની છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં મહિલા સશક્તીકરણ અંગે થયેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલીવાર મહિલા અને બાળ કલ્યાણનું અલગ કમિશનરેટ સ્થાપીને બહેનો માટે આયોજનબદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો. તેમણે દીકરીઓના ભણતર-ગણતરની ચિંતા કરનારા વડાપ્રધાનએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી દીકરીઓને વાંચતી-લખતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સૌ માતાઓ-બહેનોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાનની પ્રેરણાથી આયોજિત લખપતિ દીદી સંમેલન કાર્યક્રમને માતા-બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો અવસર છે.
મુખ્યમંત્રીએ અઢી લાખથી વધુ બહેનોને ૪૫૦ કરોડથી વધુની સહાય વડાપ્રધાનશ્રીના હસ્તે અપાવાના આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતો કાર્યક્રમ ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની બહેનોના પરિશ્રમનું ગૌરવ કરીને વડાપ્રધાનએ માતૃશક્તિની વંદના કરી છે.
મુખ્યમંત્રી પટેલે ગુજરાત સરકારના નારીશક્તિના સશક્તીકરણના પ્રયાસો અને પ્રોત્સાહનો અંગે કહ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે નારીશક્તિના સશક્તીકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે. આ વર્ષે ટેક્સટાઇલ પોલિસીમાં પણ મહિલા રોજગારી અને મહિલા સ્વ સહાય જૂથોના સશક્તીકરણ માટે પ્રોત્સાહનો આપ્યા છે.
મુખ્યમંત્રીએ સૌ માતા-બહેનો, લખપતી દીદી વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા જનજાગૃતિના પર્યાવરણપ્રિય અભિયાનોને પોતાનો સહજ સ્વભાવ બનાવશે એવો અનુરોધ પણ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન બહેનો પ્રત્યેનું કમિટમેન્ટ પૂર્ણ કર્યું છે. મહિલાઓના વિચારમાં અને સપનામાં દુનિયાને આંબવાની શક્તિ છે.
વડાપ્રધાનએ બહેનો માટે અનેક અવસર ઊભા કર્યા, અનેક યોજનાનો લાભ મળે તે માટે પ્રશંસનીય કાર્યો કર્યા છે. દેશમાં નારી શક્તિને આગળ વધારવા, તાકાતવર બનાવવા મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ભગીરથ કાર્ય કરતા આવ્યા હતા. બહેનો રાજકારણમાં સત્તા સંભાળી શકે તે માટે ૩૩ ટકા અનામતનું બિલ લોકસભા અને વિધાનસભામાં વડાપ્રધાન એ મંજુર કરાવી બહેનોની તાકાતને ઓળખી છે.
કેન્દ્રીય મંત્રીએ વિશ્વને મહિલા સશક્તીકરણનું ઉદાહરણ આપતા વધુમાં કહ્યું કે, આજે અહીં એક લાખથી વધુ મહિલાની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસને સોંપવામાં આવી એ વડાપ્રધાનનો મહિલા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. અહીં ઉપસ્થિત દરેક મહિલાઓએ પોત પોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું છે જેની પાછળનું પીઠબળ વડાપ્રધાન છે એમ જણાવી મહિલા દિવસની સૌને શુભેચ્છાઓ આપી હતી.
આ વેળાએ ઉપસ્થિત સૌએ ગુજરાતમાં લખપતિ દીદી યોજનાની પ્રગતિ રજૂ કરતી શોર્ટ વિડીયો ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, આદિજાતી વિકાસ, રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજય પટેલ, સાંસદ સર્વ ધવલ પટેલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ આર.સી.પટેલ, નરેશ પટેલ, પંચાયત ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનિષા ચંદ્રા, જી.એલ.પી.સી.ના મેનેજીંગ ડાયરેક્ટર મનિષ કુમાર, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એમ.પંડ્યા, પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ, વિશાળ સંખ્યામાં લખપતિ દીદીઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.