સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થતા સ્વાગત સાથે પ્રસ્થાન કરાવ્યું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે.
આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામ નજીક આરાધના ધામ ખાતે આવી પહોંચતા તા.૧૦ માર્ચ સાંજે ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાત્રિરોકાણ બાદ સવારે મહાનુભાવો દ્વારા રેલીને આરાધના ધામ ખાતેથી દ્વારકા માટે ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. આ રેલી તા.૧૧ માર્ચના રોજ વડત્રા, લીંબડી, ચરકલા થઈને તા.૧૨ માર્ચ સવારે ૯ વાગ્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે.
આ સાઈકલ રેલીને જિલ્લામાં વિવિધ સ્થળે વધાવવા તેમજ પ્રસ્થાન અને સાઇકલિસ્ટો માટીની અન્ય વ્યવસ્થાઓ માટે વાડીનાર સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી કમાન્ડન્ટ સર્વે વી.એસ. પ્રતિહાર, અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સર્વે હરિઓમ ગૌતમ, શ્રી પ્રશાંત ચવાણ, રામ મૂર્તિ કોંડલ, સાઈ નિક એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરુ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, “કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ” કેન્દ્ર સરકાર હેઠળ ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ છે. પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સી.આઈ.એસ.એફ. કરે છે.
આ સુરક્ષા બળના ૫૬મા સ્થાપના દિનના ઉપલક્ષમાં લખપતથી કન્યાકુમારી સુધીની સાઈકલ યાત્રાને ગત તા. ૭ના કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેઓની મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરશે.