એબીએનએસ, વી.આર. ગોધરા: આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ગોધરામાં આવેલ કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ ખાતે “પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોનું બાગાયતી પાકોમાં મહત્વ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજના આચાર્ય અને વિધ્યાશાખાઅધ્યક્ષ ડૉ.આર.સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ ઓન એગ્રિકલ્ચરલ એંજિનિયરિંગ બેજ્ડ ઇન્ટરવેનશન્સ” યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગ અને “HRT-4 યોજના”, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદના સંયુકત ઉપક્રમે રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગ ખાતે યોજાયેલ
આ તાલિમ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોથી ચાલતા જુદા જુદા સાધનો અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં ખેડુતોને સોલર પમ્પિંગ દ્વારા બાગાયતી પાકોમાં પિયત તેમજ ઇન્સેકટ ટ્રેપિંગ સિસ્ટમ, એગ્રી વોલ્ટીક, સોલાર ડ્રાયર, બાયોચાર અને બાયોમાસના વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોલેજના પ્રાધ્યાપક ડૉ.ડી.કે.વ્યાસ દ્વારા બાગાયતી પાકોમાં સોલારથી ચાલતા વિવિધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ.જે.શ્રવણકુમાર દ્વારા સોલાર ડ્રાયરની મદદથી ઉચ્ચ કિંમત ધરાવતા બાગાયતી પાકોની સૌરઉર્જાથી સુકવણી અંગે ખેડુતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.