અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોનમેન્ટના રૉલી સ્ટેડિયમ ખાતે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 20 એપ્રિલ 2025ના રોજ નિવૃત્ત સૈનિકો રેલી “શૌર્ય સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને આસપાસના જિલ્લાઓના નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને નજીકના સગાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આઉટરીચ પહેલથી 2000થી વધુ નિવૃત્ત સૈનિકોને લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાએ નિવૃત્ત સૈનિકોના કલ્યાણ પ્રત્યે સેનાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી અને ભારતીય સેના તેમજ નાગરિક વહીવટીતંત્રના અનેક મહાનુભાવોએ તેમાં ભાગ લીધો હતો.
મુખ્ય સેવાઓમાં “સ્પર્શ” દ્વારા પેન્શન સહાયતા, રેકોર્ડ ઓફિસ અને CDA તરફથી સહાય અને પેન્શન ખાતાઓ માટે બેંકિંગ સહાયતાનો સમાવેશ થાય છે. અમદાવાદ સ્થિત સૈન્ય હોસ્પિટલ દ્વારા યોજાયેલા એક મેડિકલ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા
અને ડેન્ટલ સંભાળ પૂરી પાડવામાં આવી હતી. સિવિલ કાઉન્ટરો દ્વારા આધાર સેવાઓ અને કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓએ નિવૃત્ત સૈનિકોને પુનઃરોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 26 વીર નારીઓ અને યુદ્ધ નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. “શૌર્ય સભા”માં નિવૃત્ત સૈનિકો સાથે સૈન્યનું કાયમી બંધન પ્રતિબિંબિત થયું હતું.