ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી થયા સહભાગી
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ સુધી પદયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો.
તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ/કર્મચારીઓ ૬૮૦ મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા. આ ઉપરાંત,
મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના પ્રજાજનો, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું.
તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધંધૂકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, રાજકીય અગ્રણી શ્રી શૈલેષભાઈ દાવડા, શ્રી હર્ષદગિરિ ગોસ્વામી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.