અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ સ્ટેશનના પોલીસ પરિવારના બાળકો માટે ચાલી રહેલા સમર કેમ્પની રાજ્યના ગૃહ મંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી.
હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો માટે રજાના દિવસો હોય છે. તમામ બાળકો રજાના સમયમાં ટીવી અથવા મોબાઈલ પાછળ પોતાનો સમય બગાડતા હોય છે ત્યારે એક વર્ષ પૂર્વે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી જેમાં પોલીસ કર્મીઓના પોલીસ લાઇનના બાળકોમાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય અને આજના બાળકો જે મોબાઈલને જ પોતાનું સર્વસ્વ બનાવ્યું છે તેને ત્યજી તેમનામાં રહેલી આવડત ને બહાર લાવે તે માટે સમર કેમ્પનું આયોજન શરૂ કર્યું.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પો. સ્ટેશન હેઠળના પોલીસ લાઈનમાં આ વર્ષે પણ પોલીસ પરિવારના બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સમર કૅમ્પની મુલાકાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ માધુપુરા પોલીસ લાઈન ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા
જ્યાં મોબાઈલને ભૂલી બાળકો દ્વારા બનાવેલ સુંદર ક્રાફટસ, વિવિધ રમતો ચેસ વિવિધ વાજિંત્રો દ્વારા લીધી સંગીત શીખતાં બાળકો સાથે આનંદમય મુલાકાત કરી હતી. હર્ષ સંઘવી દ્વારા શહેર સીપી દ્વારા આ નવતર પહેલ અને બાળકોના કૌશલ્યને બિરદાવી હતી અને ઉપસ્થિત બાળકો સાથે અનેક પ્રશ્નોતરી કરી હતી.
આ ઉપરાંત પોલીસ પરિવારની બહેનો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી અને બાળકોને ઉચ્ચ સંસ્કાર તેમજ તેમને પ્રોત્સાહિત કરવા અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 જયપાલસિંહ રાઠોર, ડીસીપી કાનનબેન દેસાઈ, એસીપી રીનાબેન રાઠવા, પીઆઇ જે ડી ઝાલા શાહીબાગ પોલીસ સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .