બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા શિક્ષક નયન ચત્રારિયા છેલ્લાં ત્રણ વર્ષથી ૧૦થી ૧૪ વર્ષની ઉંમરની જરૂરિયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ આપે છે. એટલું જ નહીં, તેના વિશે ગામેગામ ફરીને વૈજ્ઞાનિક સમજ પણ આપે છે.
દરમિયાન, નયનભાઈએ તેમના જન્મદિવસે સમાજને નવી દિશા આપનારી આગવી પહેલ કરી છે. રાજ્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર તેમણે પોતાના ઘર પાસેની જાહેર જગ્યામાં ‘સેનેટરી પેડ પરબ’ની શરૂઆત કરી છે.
આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જરૂરિયાતમંદ દીકરીઓને રસ્તામાં કે જાહેર સ્થળે આકસ્મિક રીતે સેનેટરી પેડની જરૂર પડે, ત્યારે તેઓ કોઈ પણ જાતની શરમ કે સંકોચ વગર મફતમાં અહીંથી પેડ મેળવી શકે છે.
પાલનપુરથી શરૂ થયેલી આ અનોખી વિચારસરણી સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ બનશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે. સમાજમાં સ્ત્રીઓને સ્પર્શતા વિષયો ઉપર ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ અને તેમને જરૂરી સુવિધા મળવી જોઈએ એ સંદેશ પણ આ પહેલ દ્વારા સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નયન ચત્રારિયાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઉત્તર ગુજરાતનાં કુલ ૪૭૬ ગામડાં ફરીને ૭૬,૧૨૩ જેટલી દીકરીઓને ત્રણ લાખ એંસી હજારથી વધુ સંખ્યામાં સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે.
નયનભાઈની આ પ્રેરક પહેલને સ્થાનિક સમાજ અને શૈક્ષણિક જગત તરફથી વિશાળ પ્રતિસાદ અને આવકાર મળ્યા છે. આવનારા સમયમાં તેમણે આ અભિયાનને ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામડાઓમાં ફેલાવવાના સંકલ્પ સાથે આગળ વધારવાનો નિર્ધાર કર્યો છે.
આ રીતે, ‘સેનેટરી પેડ પરબ’ માત્ર એક સેવા નથી, પરંતુ સમાજમાં સ્વચ્છતા, આરોગ્ય અને નારી સન્માન માટેની એક ક્રાંતિ છે, જેનો પ્રારંભ ગુજરાતના પાલનપુરથી થયો છે.