Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો

કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી

પોરબંદર, તા. 26 : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા, પોરબંદરમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી.

આ કેમ્પ જિલ્લા ભાજપ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (તાલુકા શાખા) અને પાયોનિયર ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આયોજિત સેવા પખવાડીયા કાર્યક્રમ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ પોરબંદરમાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર સ્વાસ્થ્ય સેવાનો મહત્ત્વનો માધ્યમ નથી, પરંતુ સ્થાનિક લોકો સાથે સીધા જોડાવાની અમૂલ્ય તક પણ પ્રદાન કરે છે.

મંત્રીશ્રીએ સમૃદ્ધ ભારતના નિર્માણ માટે વ્યસન મુક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે યુવાનો આ મિશનમાં મુખ્ય ભાગ ભજવી શકે છે અને સમાજમાં વ્યસન મુક્તિ લાવવાની કામગીરીમાં સક્રિય બની શકે છે.

યુવાનો ટીમ બનાવી વ્યસન મુક્તિનું અભિયાન ચલાવશે તો તંત્ર દ્વારા બનતો સહયોગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, સ્થાનિકોની માંગને ધ્યાનમાં લઈને બે નવા સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો મંજૂર કર્યા છે અને તેમની કામગીરી ત્વરિત  કરવામાં આવશે. વધુમાં, રોડ-રસ્તાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પોરબંદર બંદરને વધુ ધમધમતું બનાવવા માટેના આયોજન અંગે પણ માહિતી આપવામાં આવી.

જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ આગેવાનોને સ્થાનિક લોકોએ આપેલો અભૂતપૂર્વ પ્રેમ અને કેમ્પના  આયોજનની પ્રશંસા કરી. તેમણે લોકોએ તબીબોની સેવાઓનો લાભ લેવા અને આરોગ્ય અંગે જાગૃતિ મેળવવા અપીલ કરી હતી.

આ કેમ્પમાં સ્થાનિક લોકો માટે આરોગ્ય સેવા અને નિદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવસિંહજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા લોકોનું નિદાન કરવામાં આવ્યું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા,  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઇ મોદી,ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ,સુભાષનગર વિસ્તારના સ્થાનિક આગેવાનો અને જિલ્લા તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 616

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *