રિપોર્ટ: અનુજ ઠાકર.
ગુજરાતી સિનેમાની શરુઆત થયે હવે આશરે ૧૦૦ વર્ષ થવા આવ્યા છે. છતાંય ઘણાં એમ જ કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ હજી તો પાપા પગલી ભરી રહી છે. આટલી લાંબી સફર પછી પણ ફિલ્મ ઉદ્યોગ હજું પણ પોતાનું મજબૂત સ્થાન બનાવી શક્યો નથી ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે આના પાછળ જવાબદાર કોણ છે? ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેણે વર્ષો આપ્યાં સિનિયર ડિરેક્ટરો, કલાકારો અને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણીતાં વ્યક્તિઓ સાથે વાતચીત અને ચર્ચા કરતા એક તારણ પર પહોંચ્યા છે કે આમાં સૌથી મોટો ગુનેગાર દિગ્દર્શક છે.
વિશ્વભરના અન્ય પ્રાદેશિક સિનેમા, જેમાં મરાઠી, સાઉથની ફિલ્મો, તમિલ-તેલુગુ, મલ્યાલમ કે પછી પંજાબી સિનેમાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી છે. ત્યાં મોટી બજેટની ફિલ્મો, પેન ઈન્ડિયા રીલિઝ અને સારા કલેક્શન જોવા મળે છે. પરંતુ ગુજરાતી ફિલ્મો હજી પણ ખૂબ મર્યાદિત બજેટમાં બની રહી છે અને પહોળાં દર્શક વર્ગ સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
હમણાં જ એક આર્ટીકલ વાંચ્યો એમાં જણાવેલ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ૨૦૨૫માં બોક્સ ઓફિસ પર ૧૦૦/૧૨૫ કરોડનું કલેક્શન કરશે. મને આ વાત સમજાય નહીં કે મારે આને પોઝીટીવ રીતે લેવું કે પછી નેગેટિવ?
ઉદાહરણ તરીકે રાજ્યમાં ૨૦૨૫ ના વર્ષમાં કુલ વસતી 7 કરોડથી પણ વધારે હોવાનો અંદાજીત આંકડો છે. એક ફિલ્મ ફક્ત ૧૦% એટલે કે ૭૦ લાખ ગુજરાતીઓને થિએટરમાં ફિલ્મ જોવા પ્રેરિત કરે છે અને આશરે ૧૫૦ રુપિયાની પણ ટિકીટ ઘણીએ તોય બોક્સ ઓફિસ કલેક્શન ૧૦૦ કરોડ સુધી પહોંચે છે એક ફિલ્મનું. જ્યારે આપણે અહીં ૧૦૦ કરતાં પણ વધારે ફિલ્મોનો વાર્ષિક આંકડો ૧૦૦ કરોડ બતાવીએ છીએ, ત્યારે અહીં સૌથી મોટો સળગતો પ્રશ્ન છે કે આપણી સાથે આવું કેમ થાય છે? એનો મતલબ એ થયો કે ઘણી બધી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન ૫ લાખથી ૧૫ લાખ હોય છે. જેનો મતલબ એ થયો કે આપણે ૭ કરોડ ગુજરાતીઓમાથી ફક્ત ૭ હજાર લોકો સુધી જ પહોંચી શકીએ છીએ, હવે આ ભયાનક ચિત્ર સામે અતિ ભયાનક પ્રશ્ન એ આવે છે કે આ માટે જવાબદાર કોણ?
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઘણી ખરાબ ફિલ્મો જોઈને દર્શકો નિરાશ થાય છે જેથી બીજીવાર સિનેમામાં જઈને ફિલ્મ જોવાનું પંસદ નથી કરતાં, જાણીતા દિગ્દર્શક મનિષ શૌની એક મીડિયા ચેનલમાં ઈન્ટરવ્યુ દરમિયાન આજ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તો ફરી ફરીને પ્રશ્ન ઊભો થાય છે કે આવી ખરાબ ફિલ્મો બનાવે છે કોણ? શું પ્રોડ્યુસર? જેણે પોતાનાં પરસેવાની કમાણી ફિલ્મોમાં નાખી છે જે કલાકાર કસબીઓને પેમેન્ટ કરે છે. કે પછી લેખક કે જેમણે જે તે ફિલ્મની પટકથા લખી કે પછી એ કલાકારો જેમણે જે-તે ફિલ્મોમાં પોતાનો સમય અને અભિનયની કળા આપી કે એ પછી મ્યુઝિશયન જેમણે પોતાનું સંગીત આપ્યું કે પછી ગ્રાફિક્સ ડિઝાઇનર કે જેમણે ફિલ્મના પોસ્ટરો બનાવ્યા કે પછી ડિરેક્ટર જેણે આ બંધાયના કામનું સંચાલન કર્યું અને પોતાની પંસદને આખરી નિર્ણય હોય એ રીતે ફિલ્મને પૂરી કરી દર્શકો સમક્ષ મૂકી.
ગુજરાતી સિનેમાનો ઈતિહાસ ખુબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ડિરેક્ટરોએ આ ઉદ્યોગને જાણે પોતાના ખિસ્સામાં પૈસા ભરીને ફિલ્મ ઉદ્યોગને ખાડામાં ધકેલી દેવાની રીતી નિતિ આપવાની રહ્યા છે. ગુજરાતી ફિલ્મોની હાલની પરિસ્થિતિ અંગે એક ગંભીર વાસ્તવિકતા એ છે કે અમુક ડિરેક્ટરોએ ઉદ્યોગને આગળ ધપાવવાને બદલે પાછળ ધકેલી દીધો છે. પદર્શકોને નિરાશ કરતા અને ઉદ્યોગની પ્રતિષ્ઠા બગાડતા એવા ઘણા દિગ્દર્શકોની માનસિકતા છતી કરવી એ ફિલ્મોને પ્રેમ કરતા આપણા દરેક ભાવકની જવાબદારી છે.
સારું ડિરેકશન નહીં
કહેવામાં આવે છે કે ફિલ્મ ડિરેક્ટર એટલે આખી ફિલ્મનો કેપ્ટન. પરંતુ દુર્ભાગ્યથી આજે ઘણા દિગ્દર્શકને ડિરેકશનનું કૌશલ્ય કે જ્ઞાન જ નથી. સૌથી પહેલાં તો આખી વાર્તાને ટોટલ કેટલાં દિવસમાં શૂટ થશે તેનું હોમવર્ક, દિવસ દરમિયાન, એક એક દિવસમાં કેટલા કેટલાં સીન શુટ કરવાનાં છે તેની ટીમ સાથેની ચર્ચા, એક એક સીનમાં રહેલ નાટ્ય તત્વને કલાકારો દ્રારા સાદ્રશ્ય કરવા માટેની અપાતી સુચનાઓ અને જો આ પ્રમાણે ન થયું હોય તો ફરી ફરીથી એને ભજવવાનું ( ટેક લેવાની ) સ્પષ્ટતા દિગ્દર્શકમાં હોવી જોઇએ એની જગ્યાએ દિગ્દર્શક કામ ડી.ઓ.પી કે પછી આસિસ્ટન્ટ ડિરેક્ટર ( AD ) ઉપર કામ છોડીને પોતે મોજ મસ્તીમાં રચ્યાં પચ્યા રહે છે. સારા અને અનુભવી કલાકારો ને એક-બે દિવસમાં જ ખબર પડી જાય છે દિગ્દર્શકની આ લાલિયાવાડી જેથી તે લોકો પણ પોતાની ફરજ પુરી કરવાનાં ભાગરૂપે રસ લીધાં વગર ચુપચાપ એક્ટિંગ કરી જલદીથી પેક અપ થાય તેની રાહ જોતાં હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મનો શૂટિંગ વખતે ઘણી બધી જગ્યાએ, ડાયલોગ્સ કે એક્ટિંગના ઈમ્પ્રોવાઈઝેશનનો અવકાશ રહેલો હોય છે જે સરવાળે ફિલ્મને વધું દર્શકો ભોગ્ય બનાવે છે. પણ અફસોસ દિગ્દર્શકની બેદરકારી કે અણઆવડતના કારણે સારાં કલાકારો પાસેથી પણ યોગ્ય કામ નથી લઈ શકાતું.
ફિલ્મ બનાવવી એટલે માત્ર “હીરો, હીરોઈન મળી જવા અને સ્ટોરી મળી જવી એટલું જ નથી હોતું એમાં સ્ક્રિપ્ટ, સંવાદ, ટેક્નિકલ નોલેજ, પ્રોડક્શન ડિઝાઇન, ડબિંગ માટે સ્ટુડિયો લઈ લેવાથી અને કલાકારોનો સમય લઈ લેવાથી કામ નથી બનતું દિગ્દર્શક ત્યાં હાજર રહીને એક એક સીનના બોલતાં ડાયલોગ્સ, તાલમેલ અને ઈમોશનનુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે પણ દિગ્દર્શકો સાવ તેને હળવાશમાં લેતા હોય છે, સાવ નબળુ અને કર્કશ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કરે છે. જેવા અનેક પાસાઓ હોય છે. પરંતુ ઘણા ડિરેક્ટર પાસે ફિલ્મી નોલેજનો અભાવ છે. તેઓ ફિલ્મને એક પૈસા કમાવવાનો શોર્ટકટ બિઝનેસ સમજી લે છે. અને પછી ફિલ્મ બનાવે છે, જેના લીધે સરવાળે ભોગવવાનું આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આવે છે.
ગ્લેમર અને પૈસાથી રોલ
સારા દિગ્દર્શકો કલાને સમર્પિત હોય છે જ્યારે નબળાં દિગ્દર્શકો માયાને સમર્પિત હોય છે. છોકરી/મોડેલ/હિરોઈન કે પછી મહિલાઓ પાછળ ભાગતા હોય છે અથવા તો કાસ્ટીંગ વખતે પોતાના લાગતાં વળગતાને સેટ કરી દેતાં હોય છે. નવા આવતાં કે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા આવતાં છોકરા છોકરીઓ પાસેથી પૈસા લઈને રોલ આપવામાં આવે છે પણ મજાની વાત એ છે કે તે પૈસા પ્રોડ્યુસરની જાણ બહાર દિગ્દર્શક પોતાનાં ખિસ્સામાં નાખતા હોય છે. આવઃ ઘણાં બધાં પૈસા લીધેલ હોવાથી આ કલાકારો પાસેથી ફિલ્મને કે વાર્તાને અનુલક્ષીને અભિનયમાં ઈરછીત લઈ શકતો નથી. સરવાળે નુકસાન પ્રોડ્યુસરને જાય છે અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી બદનામ થાય છે.
પ્રોડ્યુસરને ખોટા સપના બતાવવા / સરકારી સબસિડીનુ ગાજર
ફિલ્મ બનાવવાનો ખર્ચ પ્રોડ્યુસર ઉઠાવે છે. પરંતુ આવા ખોટા ડિરેક્ટર પ્રોડ્યુસરને સપના બતાવે છે કે ફિલ્મ સુપરહિટ જશે, પાંચ દસ ગણો નફો આવશે, હકીકતમાં તો ફિલ્મ થિયેટરમાં ચાલતી જ નથી અને પ્રોડ્યુસરને મોટું નુકસાન વેઠવું પડે છે. એનો તોડ પણ તેમની પાસે હોય છે તેઓ પ્રોડ્યુસરને કહે છે જો ફિલ્મ નહીં ચાલે તો સરકારી સબસિડી તો છે જ ને, મારાં સેટિંગ છે ફાઈલ આમ કરીને પાસ કરાવી દઈશ, મારે ઉપર સુધી સંપર્કો છે સબસિડી તમને વધારે અપાવી દઈશ. આવું કરીને ઘણીવાર જાણી જોઈને સારી ફિલ્મ બનાવવામાં ધ્યાન ન આપીને સેટિંગ અને સબસિડી પર વધું ધ્યાન આપે છે. સરવાળે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન કરતા હોય છે.
કોપી પેસ્ટીયા ડિરેક્ટરો
ઘણાં ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરો હિન્દી, સાઉથ, જાપાની, ચાઇનીસ કે કોરિયન ફિલ્મોનું નકલ કરી આ વાતથી પ્રોડ્યુસરને અજાણ રાખી તેમને ફસાવતા હોય છે. ઘણાં સીન્સ કે આખેઆખે સિકવન્સ જે તે ફિલ્મમાંથી લઈને પોતાની ફિલ્મોમાં વણી લેતાં હોય છે આનું કારણ એજ કે પોતાનું ક્રિએટિવ કે નવું કરવાની તાકાત ને હિંમત નથી. સરવાળે ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકો કે ફિલ્મ રીવ્યુકારો દ્રારા ઘણા ફિલ્મ ચાહકો દ્વારા ખરાબ પડે છે અને સરવાળે ફિલ્મ પીટાઈ જાય છે. ફિલ્મોના વિષય બાબતે કોઈ ફિલ્મથી પ્રેરણા લેવી કે પ્રેરિત થવું કંઈ ખોટું નથી પણ સીધેસીધી ઉઠાંતરી કરવી તેની ગુનાહિત કૃત્ય ન ગણીએ તો પણ તેને મોરલી ખોટું અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને અહિત કરનારું છે.
નોંધ : ગુજરાતી સિનેમાને ખરેખર આગળ વધારવા માટે જરૂરી છે કે પ્રોડ્યુસરોએ ખોટા સપના બતાવતા અને બેદરકાર ડિરેક્ટરોથી દૂર રહેવું. સચ્ચા ક્રિએટિવ ડિરેક્ટરો, કે પછી ફિલ્મોની સફળતા બાબતે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા, ભલે એવા દિગ્દર્શકોની ફી વધારે લાગતી હોય…પણ તેવા દિગ્દર્શકોને તક આપવી જોઈએ. નહીં તો ‘ફિલ્મ’ બિઝનેસના નામે વર્ષો વર્ષ માત્ર આજ ‘નાટક’ ચાલતું રહેશે.
સુચન : પ્રોડ્યુસરો એ પોતાનું એક અલગ એસોસિયેશન કે પ્લેટફોર્મ બનાવી આવા લેભાગુ, કટકીબાજ અને બેદરકાર ડિરેક્ટરોના નામની ચર્ચા વિચારણા કે માહિતીનું આદાન પ્રદાન કરવું જોઈએ જેથી બીજા કોઈ પ્રોડ્યુસર મિત્રના પૈસા ન ડૂબે કે આવા નુકસાનથી બચી શકાય.