રિપોર્ટ: અનુજ ઠાકર.
નવા વર્ષની શુભ શરૂઆત સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે એક યાદગાર ક્ષણનો સાક્ષી બન્યો. નવા વર્ષના પ્રથમ દિવસે આયોજિત ભવ્ય ‘ક ખ ગ ઘ’ સ્નેહ સંમેલને સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જી દીધો. જાણીતા ફિલ્મ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો, લોકપ્રિય ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, મીડિયા પ્રતિનિધિઓ તથા વિશેષ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય સમારોહ દરમિયાન તેમની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ નું શીર્ષક, અધિકૃત પોસ્ટર તથા રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. સાથે જ ફિલ્મના શૂટિંગની ઔપચારિક શરૂઆતની ઘોષણા પણ કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી લીધી.
આ કાર્યક્રમને વધુ આનંદમય બનાવતો સંયોગ એ રહ્યો કે આ જ દિવસે નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડનો જન્મદિવસ પણ ઉજવાયો. પરિણામે આ સંમેલન એક ત્રેવડા ઉત્સવમાં ફેરવાઈ ગયું, જ્યાં સૌએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આનંદ વ્યક્ત કર્યો.
ગુજરાત સરકારના માનનીય મંત્રી આદરણીય ડૉ. પ્રદ્યુમન વજા સાહેબના કર કમળોથી આગામી 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ક ખ ગ ઘ’નું પોસ્ટર વર્ચ્યુઅલી રિલીઝ કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું.
આ પ્રસંગે ફિલ્મના કલાકારો મોના થિબા કનોડિયા, હિતુ કનોડિયા, શૌનક વ્યાસ, અવિંદ વેગડા, જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, દિગ્દર્શક અખિલ કોટક તેમજ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવા વર્ષની શુભેચ્છાઓની આપલે સાથે સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને સુહાની યાદોને સાથે લઈને કાર્યક્રમમાંથી વિદાય લીધી.
આ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ ફિલ્મના પ્રચાર-પ્રસારની જવાબદારી સફળતાપૂર્વક સંભાળવા બદલ Team Tihai Music People (અભિલાષ ઘોડા)નો આયોજકશ્રી દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
















