શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદોને ધાબળા અને મીઠાઈ અર્પણ કર્યા
વલભીપુરના ‘ભામાશા’ તરીકે ઓળખાતા સ્વ. હર્ષદભાઈ દોશીની યાદ અપાવતા બ્રીજરાજસિંહ: શિક્ષણ અને સેવાના કાર્યોમાં કરોડોનું દાન
વલભીપુર: તારીખ
વલભીપુર તાલુકાના પચછેગામના યુવા અગ્રણી અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા બ્રીજરાજસિંહ ગોહિલ આવતીકાલે પોતાના જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે તેમણે કોઈ ભપકાદાર ઉજવણીને બદલે માનવસેવા અને જીવદયાના કાર્યોને પ્રાધાન્ય આપીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉજવણીના ભાગરૂપે વલભીપુર શહેરની શાંતિનિકેતન શાળામાં અભ્યાસ કરતા ૬૫ જેટલા બાળકો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બ્રીજરાજસિંહે બાળકોને પતંગ, ફિરકી, ડ્રાયફ્રૂટ ચીકી, તલ-મમરા-દાળિયાના લાડુ, શેરડી અને મસ્ત મોટા યુગલ (પીપુડા) અર્પણ કર્યા હતા. શાળાના આંગણે બાળકો સાથે કેક કાપીને મોઢું મીઠું કરાવ્યું હતું. સાધનો મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો, ભૂલકાઓના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું જે બદલ શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવતા વલભીપુર-કલ્યાણપુર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારોને ઠંડીથી રક્ષણ મેળવવા ધાબળા અને ગરમ શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ રહીશોને મીઠાઈના બોક્સ અને બાળકોને પતંગ-ફિરકી આપી પર્વની ખુશીઓમાં સામેલ કર્યા હતા. આવતીકાલે જન્મદિવસના દિવસે ગાયો માટે એક ગાડી લીલી કડબ ખવડાવી જીવદયાનું કાર્ય પણ કરવામાં આવશે.
વલભીપુરના આધુનિક ‘ભામાશા’
વલભીપુર પંથકમાં સેવાના પર્યાય સમાન સ્વ. હર્ષદભાઈ દોશી પછી બ્રીજરાજસિંહ ગોહિલની કાર્યશૈલીમાં લોકો હર્ષદભાઈની અનુભૂતિ કરી રહ્યા છે. દીકરીઓના સમૂહલગ્નમાં કરિયાવર આપવો હોય, જરૂરિયાતમંદોને હોસ્પિટલની મદદ કરવી હોય કે શિક્ષણ માટે ફાળો આપવો હોય, બ્રીજરાજસિંહ હંમેશા અગ્રેસર રહે છે. ભાવનગર ખાતે બની રહેલા “ગીરાસદાર રાજપૂત સમાજ શિક્ષણ ભવન”માં પણ તેમણે કરોડો રૂપિયાનું માતબર દાન અર્પણ કર્યું છે.
તાજેતરમાં જ વલભીપુરમાં ‘નમો સેવા સંગઠન’ની ઓફિસ કાર્યરત કરી બ્રીજરાજસિંહ તાલુકાના છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓ પહોંચાડી રહ્યા છે. આધાર કાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ વિનામૂલ્યે અને સરળતાથી મળે તે માટે તેઓ સતત અડીખમ ઊભા રહી સેવા આપી રહ્યા છે, જેનાથી સમગ્ર તાલુકાવાસીઓમાં રાજીપો જોવા મળી રહ્યો છે.
આવતીકાલે સાંજે ૦૫:૩૦ કલાકે રામપુર ગામે આયોજિત જન્મદિવસના કાર્યક્રમમાં નમો સેવા સંગઠનના મિત્રો, વિવિધ ગામના સરપંચો, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ બ્રીજરાજસિંહને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.
રિપોટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર
















