રિપોર્ટ અનુજ ઠાકર.
આજે ટાફ અને અમદાવાદ એક્ટીવ આર્ટીસ્ટ એલાયન્સ ( A4 ) તન્મયભાઈના સૌજન્યથી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા, રીવ્યુકારો, ફિલ્મી સમાચાર બનાવનાર, ફિલ્મી પોડકાસ્ટ કરનાર અથવા તો ફિલ્મોનું સોશિયલ મીડિયા માર્કેટિંગ કરનાર એવા જુજ અને સમર્પિત લોકોનું એક સુંદર “ગેટ ટુ ગેધર” યોજાયું. કોઈ એજન્ડા નહીં, કોઈ ઔપચારિકતા નહીં, માત્ર મળીને ખુલ્લા દિલે વાતચીત કરવી, વિચાર વહેંચવા અને એકબીજાને નજીકથી ઓળખવાની એક સરસ તક….
આ બેઠક દરમિયાન અનેક સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપણે સૌ કેવી રીતે વધુ મજબૂત અને મદદરૂપ બની શકીએ, લખતાં-બોલતાં હિંમત અને ઈમાનદારી કેવી રીતે જાળવી શકાય, સારી અને નબળી ફિલ્મોને લઈ સંતુલિત દૃષ્ટિકોણ સાથે કેવી ચર્ચા કરવી…આવા અનેક મુદ્દાઓ પર સંવાદ થયો. દરેક ચર્ચા કંઈક નવું શીખવતી હતી, વિચારવા મજબૂર કરતી હતી અને આગળ વધવાની પ્રેરણા આપતી હતી.
આવો નિર્ભેળ, આત્મીય અને વિચારપ્રેરક સંવાદ શક્ય બનાવવા બદલ તન્મયભાઈનો દિલથી આભાર. આવી બેઠકો માત્ર ઓળખાણ વધારતી નથી, પરંતુ ગુજરાતી સિનેમાના ભવિષ્ય માટે સકારાત્મક દિશા પણ દર્શાવે છે. આજે મળેલું ઘણું બધું જાણવું અને શીખવું ભવિષ્યમાં અમને બધાંને ઉપયોગી સાબિત થશે..!
















