રજત જયંતી મહોત્સવ અંતર્ગત ભાગવત કથામાં ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની પ્રેરક ઉપસ્થિતિ
પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે કથાના વક્તા શ્રીજી મહારાજને બે ગૌ-માતા અને એક નંદી અર્પણ કર્યા
વલભીપુર તારીખ
ઐતિહાસિક નગરી વલભીપુરના આંગણે ૨૫મી રજત જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કથાના પાવન અવસરે ગઢડા-૧૦૬ વિધાનસભાના ધારાસભ્ય અને સંત શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા તેમજ વલભીપુર શહેર ભાજપના પ્રમુખ નામદેવ સિંહ પરમાર, વલભીપુર એપીએમસી પૂર્વ ચેરમેન ઠાકરશીભાઈ બોધરા તેમજ,ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ અવસરે ગૌ-દાનનો મહિમા પણ ઉજાગર થયો હતો. કથા દરમિયાન વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલનું શ્રીજી મહારાજ દ્વારા ચાદર ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગૌ-સેવાના ઉમદા ભાવ સાથે પ્રદ્યુમનસિંહ દ્વારા વક્તા શ્રીજી મહારાજને સ્ટેજ પર બે ગીર ગાય અને એક નંદી અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાશ્રીના આ ઉમદા કાર્યને કથા પંડાલમાં ઉપસ્થિત ભાવિકોએ હર્ષનાદ સાથે વધાવી લીધું હતું.
વક્તા શ્રીજી મહારાજે પ્રદ્યુમનસિંહની ગૌ-ભક્તિ પર રાજીપો વ્યક્ત કરતા કથા બાદ તેમની ગૌશાળાની મુલાકાત લેવાનું વચન આપ્યું હતું. કથા વિરામ બાદ શ્રીજી મહારાજ કથા મંડપથી એક કિ.મી દૂર આવેલા ‘પ્રમુખસ્વામી મહારાજ ગીર ગૌશાળા’ ફાર્મ હાઉસની મુલાકાતે પધાર્યા હતા. ત્યાં તેમણે ગીર ગૌ-માતાઓને પોતાના હસ્તે ફ્રુટનો પ્રસાદ જમાડી આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રીજી મહારાજના સાનિધ્યમાં વધુ એક નંદીનું દાન મળતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નિમ્બાર્ક આશ્રમના સેવક સમુદાય અને ભાવિક ભક્તોએ પ્રદ્યુમનસિંહ ગોહિલના આ સેવાકાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
તસ્વીર ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















