રવિવારે સેંજલધામ ખાતે સૌરાષ્ટ કચ્છના સંતો મહંતોની હાજરીમાં ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ થશે
કુંઢેલી, તા.27 મંગળવાર
સૌરાષ્ટ્ર–ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો” ના સૂત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલા થી જોડ્યો છે…
અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછ્યા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓની એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિ વર્ષની જેમ માધપૂર્ણિમાના દિવસે સેંજળ ધામ (તા.સાવરકુંડલા, જી, અમરેલી) ખાતે પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્ર ભાવે રચાયો છે.
આગામી તા 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ વર્ષ 2026ના વર્ષનો અને સળંગ 16મો “ધ્યાનસ્વામીબાપા એવોર્ડ 2026” સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ પૂ શ્રી લાલજી મહારાજની જગ્યા, ભગતનું ગામ સાયલાને અર્પણ કરીને વંદના કરવામાં આવશે.
આ જગ્યાના મહંતશ્રી, મહામંડલેશ્વર શ્રીદુર્ગાદાસજી ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ આ એવોર્ડ/વંદના સ્વીકારશે. એવોર્ડ અર્પણ સમારંભ આગામી તા.1 ને રવિવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાઓના મહંતો, સંતો ઉપસ્થિત રહી પ્રસંગની ગરિમા વધારશે.
ઐતિહાસિકતાના ક્રમમાં સને 2011 ની સાલથી દર વર્ષે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવે છે.
નિમ્બરકચાર્ય શ્રી હરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ.ધ્યાનસ્વામીએ વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભૂમિ બનાવી હતી.
આજે ત્યાં તેમની “ચેતન સમાધિ” છે. તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ .જીવનદાસજીના વંશમાં મોરારીબાપુ નો જન્મ થયો. એ મૂળ પુરુષના પુણ્યસ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.
















