દેશના વિકાસ અર્થે દરેક નાગરિક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તે સમયનો તકાદો લેખાશે

‘વિક્સિત ભારત યુવા સંવાદ’ આર.કે. યુનિવર્સિટી રાજકોટમાં યોજાયો


રાજકોટ તા.૨૮/૦૩/૨૦૨૬
રાજકોટમાં આર.કે. યુનિવર્સિટી ખાતે “વિક્સિત ભારત યુવા સંવાદ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું, ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આશરે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે સૌપ્રથમ આપણા માઇન્ડસેટમાં પરિવર્તન આવવું જરૂરી છે. ‘અમે સમૃદ્ધ ભારત બનાવીશું’ એવા દૃઢ સંકલ્પ સાથે આગળ વધવા તેમણે યુવાનોને પ્રેરણા આપી હતી. તેમણે ગુલામીની માનસિકતા છોડીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાંથી પ્રેરણા લેવા પર વિશેષ ભાર મૂક્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસ માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. ‘Nation First’ ની ભાવના સાથે જીવનમાં કાર્ય કરવાથી વ્યક્તિ સારો નાગરિક બની શકે છે અને પોતાના લક્ષ્યો પણ સરળતાથી હાંસલ કરી શકે છે.
ડૉ. માંડવિયાએ ઉમેર્યું કે પદ અથવા સત્તા અંતિમ લક્ષ્ય નથી, પરંતુ તે માત્ર એક સાધન છે, જે આપણને ગંતવ્ય સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. તેમણે યુવાનોને દેશના વિકાસ માટે આગળ આવવા અને ઉપલબ્ધ તકનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદય કાંગડ તેમજ શ્રીમતી દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મંત્રીશ્રી સાથે રચનાત્મક પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું. સાથે જ, ડૉ. માંડવિયાએ યુવાનોને My Bharat ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા માટે અનુરોધ કર્યો.
કાર્યક્રમ દરમિયાન ઇન્ટરએક્ટિવ સંવાદ યોજાયો. અંતે NCC સ્વયંસેવકો દ્વારા ડૉ. માંડવિયાને પેઇન્ટિંગ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું અને RKU Social Club દ્વારા ‘બાયોડાયવર્સિટી બુક’ નું સમર્પણ કરવામાં આવ્યું.
અંતમાં, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાયસ પ્રેસિડેન્ટ શ્રી દેનિશ પટેલએ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન જાહેર કર્યું.










