સુરતના Y જંકશન ખાતે રાજ્યપાલએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઈ: પરેડને સલામી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યપાલ
સુરત:સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના આંગણે તા. ૧લી મે ના રોજ ૬૬ માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સાંજે ૭:૦૦ વાગ્યે સુરતના Y જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સાહસ, સેવા અને શોર્યને સમર્પિત ગુજરાત પોલીસની ૧૮ પ્લાટુનના ૭૫૦ થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસ ગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું હતું. પોલીસના ઉત્સાહ અને આંનદને વર્ણવતી હર્ષ ધ્વનિ કરવામાં આવી હતી.
પરેડ કમાન્ડર તરીકે આઇપીએસ ઓફિસર ડો. નવીન ચક્રવતીએ નેતૃત્વ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત સૌએ રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સમૂહગાન કર્યું હતું. વિશ્વ ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે સુરતીઓએ પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
બોલીવુડના પ્લેબેક સિંગર ભાવિન શાસ્ત્રીના એન્ડ બેન્ડ દ્વારા રળીયામણી સાંજે “ભારત માતા કી જય”ના નારા સાથે ‘જય જય ગરવી ગુજરાત’સહિતના અનેક ગીતો સાથે સંગીતની મધુર સુરાવલિને સૌએ માણી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ શાનદાર પરેડને નિહાળવા માટે સુરતી માનવ મહેરામણ ઉમટ્યો હતો.
આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ અરવિંદભાઈ રાણા, મોહનભાઈ ઢોડીયા, સંદીપભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ ડો.વિક્રાંત પાંડે, રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને મ્યુ. કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















