અંબાજીની કોટેજ હોસ્પીટલને કોવિડ હોસ્પીટલમાં ફેરવી
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે
—કલેકટરશ્રી આનંદ પટેલ
કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના વતનની નજીકમાં જ સારવાર ઉપલબ્ધ કરાવવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરી અંતરીયાળ વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓ મળે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેકટરશ્રીએ દાંતા અને અમીરગઢ તાલુકાની મુલાકાત દરમ્યાન વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આ વિસ્તારના આદિજાતિ લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે આ કેન્દ્રમાં કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. વિરમપુરના આ કોવિડ હેલ્થ સેન્ટરમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓક્શિજનની ૧૬ જબ્બો બોટલ દર્દીઓની સારવાર માટે ભેટમાં આપવામાં આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલે ઓક્શિજન બોટલના વાહનને પાલનપુર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, અંબાજીની કોટેજ હોસ્પીટલને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કોવિડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. અંબાજીની હોસ્પીટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્યની તમામ સુવિધા સાથે મંદિર તરફથી ભોજન આપવામાં આવે છે. અમીરગઢ તાલુકાના વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યાં પણ અંબાજી મંદિર તરફથી આજે ૧૬ ઓક્શિજનની બોટલ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં તમામ ગામોમાં મંદિર તરફથી આયુર્વેદીક ઉકાળાનું વિતરણ શરૂ કરાશે. જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઓક્શિજનની જરૂરીયાત મુજબ માંગણી મળ્યેથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પુરી પાડવામાં આવશે. આમ અંબાજી મંદિર આ વિપરીત પરિસ્થિતમાં પ્રજાજનોની પડખે રહી લોકોની સેવા કરી રહ્યું છે.