Helth

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી

પડધરી તાલુકાને ‘ટીબી મુક્ત’ કરવા, માતા અને બાળ મૃત્યુદર ‘ઝીરો’ રહે તે સહિતની કામગીરી અંગે વિગતવાર દિશા નિર્દેશ આપ્યા

મંત્રીશ્રી દ્વારા હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ કામગીરી કરવા સ્ટાફને સૂચન

રાજકોટ, ૨ ઓક્ટોબર
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટના પડધરી ખાતે હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં મંત્રીશ્રીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ તબીબી સેવાઓ અને આરોગ્ય સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર, સ્ટોર રૂમ, એક્સ-રે રૂમ, ડ્રેસિંગ રૂમ, નર્સિંગ રૂમ, જનરલ ઓપીડી, કન્સલ્ટિંગ રૂમ તેમજ રસીકરણ રૂમની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ચકાસણી કરી હતી. સ્ટોર રૂમ અને દવા વિભાગની મુલાકાત દરમિયાન તેમણે જરૂરિયાત મુજબના ઓન-હેન્ડ સ્ટોક, વિતરણ વ્યવસ્થા અને મફત દવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. ડાયાલિસિસ સેન્ટર ખાતે દર્દીઓને મળતી સુવિધાઓ અને ઉપકરણોની સ્થિતિ અંગે પણ તેમણે ખાસ માહિતી મેળવી હતી.

આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સંવાદ સાધીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. પ્રસૂતિના કેસોમાં સંપૂર્ણ ગંભીરતા દાખવી દરેક આરોગ્યકર્મી પોતાનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે નિભાવે તથા માતા અને બાળ મૃત્યુદર શૂન્ય રહે તે દિશામાં સઘન પ્રયાસો કરવા મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.આ ઉપરાંત, પડધરી તાલુકાને સંપૂર્ણ ટીબીમુક્ત કરવા તરફ આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.

નિરીક્ષણ બાદ મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોઈ ચોક્કસ પ્રકારના રોગ કે બીમારીના દર્દીઓ વધ્યા હોય તો તેને તાત્કાલિક નાથવા માટે સઘન પ્રયાસો કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ કામગીરી કરવા સ્ટાફને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ સાથે ઇમરજન્સી સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટેની હોસ્પિટલ તંત્રની સજ્જતા અંગે તબીબો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી શ્રી પી. કે. સિંઘ સહિતના અધિકારીશ્રીઓ, પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 10

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *