અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ નવા વાડજ અખબાર નગર સર્કલ પાસે આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટ ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું.
રાજ્યભરમાં માં જગદંબાના આરાધ્ય પર્વ નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે શહેરના પાર્ટી પ્લોટને ટક્કર મારતા તેમજ પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ સાથે અમદાવાદમાં સોસાયટીઓના ગરબા વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
અમદાવાદ નવા વાડજ ખાતે આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જય અંબે યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ દિવસે વિવિધ ડ્રેસ કોડ સાથ થીમ પર ગરબા યોજવામાં આવી રહ્યા છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે સફેદ પરીનંદેની થીમ સાથે સોસાયટીના સૌ કોઈ સફેદ વસ્ત્રોમાં સજ્જ બની ગરબાના તાલે ઝુમયા હતા.
મોટા મોટા પાર્ટી પ્લોટની તામઝામ થી દુર પોતાની સોસાયટીમાં જ અદભુત રોશનીથી ઝળહળતી લાઇટિંગ, મંડપ ડેકોરેશન, સેલ્ફી પોઇન્ટ ગરબાના ગીતો અહીંના રહીશોમાં એક અનેરો ઉત્સાહ પૂરો પાડે છે. અહીં વડીલથી લઈ નાના મોટા યુવાધન મહિલાઓ કે નાના ભૂલકાઓ સૌ કોઈ આ નવરાત્રી પર્વને એકસાથે હર્ષોલ્લાસથી ઉજવતા જોવા મળે છે.
જય અંબે યુવક મંડળ અને અહીંના રહીશો દ્વારા એક બની પ્રાચીન ગરબાને જીવંત રાખવાના સાર્થક પ્રયાસ સાથે અદભુત વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં વડીલો, મહિલાઓ યુવતીઓ પોતાને પૂર્ણ સુરક્ષિત હોવાના અહેસાસ સાથે નિખાલસ ગરબા રમતી નજરે જોવા મળે છે. અહીં સૌ કોઈ એક મળી સંગઠન અને સંચાલન સાથે સર્વધર્મ એકતાનું સાચું ઉદાહરણ પૂરું પાડે છે જ્યાં લોકો મન મૂકી મોડી રાત સુધી ગરબા રમે છે.
શહેરના પાર્ટીપ્લોટમાં મસમોટી પાસની કિંમત ચૂકવી ગરબા રમવા જવા કરતા પોતાની સોસાયટીમાં જ પાર્ટીપ્લોટ જેવું સુંદર વાતાવરણ ઉભું કરી પ્રાચીન ગરબાની સંસ્કૃતિને ઉજાગર રાખવાના પ્રયાસ સાથે અહીંના રહીશો એકજુઠ બની એકતા સાથે નવલી નવરાત્રિને ઉજવે તે માટે કટિબદ્ધ બન્યા છે.
સૌ કોઈ એક મળી માં જગદંબાની આરતી, પૂજા અર્ચના, અલ્પાહાર, જમણવાર, સહકાર, સેવા અને નિયમન આ તમામ બાબતો આપણી સંસ્કૃતિ તેમજ ભક્તિમય નિખાલસ બની અગાઉના સમયમાં રમાતા પ્રાચીન ગરબામાં માં જગદંબાની ઉપસ્થિતિની પ્રતીતિ કરાવે છે.
સ્થાનિક મહિલા વૈશાલી મહેશ્વરીએ જણાવ્યું હતું કે સ્ત્રી શક્તિ તરીકે હું જણાવવા માંગુ છું કે આ મંડળના સફળ આયોજન થકી અહીં અમે સુરક્ષા સાથે મન મૂકી સૌ ગરબે રમી શકીએ છે. અહીંનું આયોજન જ એટલું સુંદર હોય છે કે અમને બહાર જવાની જરૂર જ પડતી નથી. જેના પરિણામે શેરી ગરબાનું મહત્વ વધી રહ્યું છે.
એપાર્ટમેન્ટના સ્થાનિક આગેવાન ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં સોસાયટીના સર્વ ધર્મના લોકોને એક છત નીચે લાવી તમામ ઉત્સવને ઉજવવાનો શ્રેય હું મારા આ યુવક મંડળના સભ્યોને આપું છું જેઓ સતત મહેનત કરી આ આયોજન થકી તમામ લોકોને એક પરિવાર બનાવે છે.
આજેય શહેરમાં અનેક સોસાયટીઓના રહીશો થકી ગરબાનું મહત્વ અને મહિમા ટકાવી રાખવામાં મહત્વનો ફાળો જોવા મળી રહ્યો છે અને પોતાની સોસાયટીમાં જ ગરબાનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. આવનાર સમયમાં સોસાયટીના શેરી ગરબા જ પોતાની જૂની આગવી ઓળખ ફરી જીવંત બનાવશે એ સમય દૂર નથી.
















