વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાણક્ય એકેડમી તળાજા ખાતે યોજાયો હતો.
“ક્ષત્રિયોની દિવાળી એટલે દશેરા” ના ગૌરવપૂર્ણ ભાવ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ક્ષત્રિય પરંપરા, શૌર્ય, જ્ઞાન અને સંસ્કારોના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમીનો પર્વ અનિષ્ટ પર ઇષ્ટના, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. ક્ષત્રિય પરંપરામાં શસ્ત્રપૂજન એ શૌર્ય, સ્વાભિમાન, સાહસ અને ધર્મના રક્ષણના સંકલ્પનું પ્રતીક છે,
જ્યારે શાસ્ત્રપૂજન જ્ઞાન, વિવેક, નીતિ અને સંસ્કાર પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરે છે. શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય જ સમાજને સાચી દિશા આપવાની સાથે રાષ્ટ્ર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે.
શૌર્યની સાથે જ્ઞાન, શક્તિની સાથે વિવેક અને પરંપરાની સાથે સંસ્કારોનું મહત્વ શસ્ત્રનું બળ ત્યારે જ સાર્થક બને છે, જ્યારે તેને શાસ્ત્રમાં રહેલ જ્ઞાન, નૈતિકતા અને ધર્મબુદ્ધિનું માર્ગદર્શન પ્રાપ્ત થાય.
આ કાર્યક્રમ દ્વારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની ગૌરવશાળી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા, નવી પેઢીમાં શૌર્યની સાથે જ્ઞાન તથા સંસ્કારોનું સિંચન કરવા અને સમાજમાં એકતા, સંગઠન તથા રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
















