મોડાસા, ૫ જૂન: આજે જ્યારે વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા સૌ ચિંતિત છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત આજે તરુ રોપણ માટે વિશેષ આંદોલન ચલાવવામાં આવ્યું. જેના ભાગ રુપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ઠેર ઠેર રોપા વિતરણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.
આ વિશ્વ પર્યાવરણ દિવસ પર બાળકોમાં વિશેષ જાગૃતિ આવે તે માટે મોડાસા ખાતે ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જે વિલાસબેન પટેલના માર્ગદર્શનમાં ચોવીસ બાળકોએ પોતાના ઘેર જ નિબંધ લેખન કરી ઓનલાઈન મોકલી ભાગ લીધો. જેનું પરિણામ ગાયત્રી જયંતી પર વેબ સેમિનારમાં જાહેર કરવામાં આવશે.
પર્યાવરણ વિષે વધુ જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના અગ્રણી કિરીટભાઈ સોની દ્વારા આજે વેબ સેમિનાર યોજવામાં આવેલ છે. શાંતિકુંજ ,હરિદ્વારના વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 12000 થી વધુ વૃક્ષો ઉછેરી જતન કરવામાં કાર્યશીલ છે. એવા પર્યાવરણ વિષયમાં નિષ્ણાંત ડૉ. સતિષ પટેલ દ્વારા આ વેબ સેમિનારમાં પર્યાવરણ બચાવો આંદોલન માટે વિશેષ માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું.