મેડિકલ કાઉન્સીલની માન્યતાં મળતાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકેની સેવાં આપશે –
સામાન્ય રીતે કોઇપણ પ્રકારની મેડિકલની પરીક્ષા પાસ કરવી અઘરી હોય છે અને તેમાંય જો તે પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની હોય તો તેની પાસ કરવી વધુ અઘરી થઇ જાય છે.વળી, જો તે વિદેશી યુનિવર્સિટીમાંથી પાસ કરવાની હોય તો ઓર અઘરી થઇ જાય છે. પરંતુ તેમ છતાં, ભાવનગરની યુવાન ડો. વિજયરાજસિંહ ગોહિલે એફ.એમ.જી.ઈ. (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન) ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ અગ્રીમ ક્રમાંકે ઉત્તિર્ણ થઇ ગુજરાતનું અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.
બીજી મહત્વની વાત છે કે, તેઓએ તેમનું ડોક્ટરી ડિગ્રી (એમ.બી.બી.એસ.) ચીનની નાનજીંગ યુનિવર્સિટીમાંથી કર્યું છે. એટલે કે, તેઓએ ચીનમાં મેળવેલું જ્ઞાન હવે પોતાની માતૃભૂમિને વહેંચશે. તેઓને મેડિકલ કાઉન્સીલની માન્યતાં મળ્યાં બાદ તેઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવશે.
સામાન્ય રીતે એવી છાપ છે કે, ગુજરાતીઓ અંગ્રેજીમાં નબળાં છે અને વતન છોડીને તેઓ બહુ બહાર જતાં નથી. પરંતુ ડો. વિજયરાજસિંહે આ તમામ માન્યતાઓનું ખંડન કરીને ચીનમાં જઇને ડોક્ટરી ડિગ્રી હાંસલ કરી છે.
વિદેશમાં ડોક્ટરી ડિગ્રી પાસ કરનાર વિદ્યાર્થીઓને ભારતમાં તબીબ તરીકે પ્રેક્ટીસ કરવાં માટે મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની એફ.એમ.જી.ઈ. (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન) ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ જ તેમને ભારતમાં તબીબ તરીકેની પ્રેક્ટિસ માટેની માન્યતાં મળે છે. વળી, આ પરીક્ષા અખિલ ભારતીય સ્તરે યોજાતી હોવાથી તેમાં પાસ થવાનું પ્રમાણ ૧૫ ટકા જેટલું નીચું હોય છે. ત્યારે તેઓ તેમાં પાસ જ નથી થયાં પરંતુ અગ્રીમ ક્રમાંકે ઉત્તિર્ણ થઇને ભાવેણાંનું સર ઉન્નત કર્યું છે. તેઓએ આ પરીક્ષામાં ૩૦૦ માંથી ૨૦૦ ગુણ મેળવ્યાં છે.
શ્રી વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, તેઓ ઉમરાળા તાલુકાના ધારુકાના વતની છે. તેઓએ ભાવનગરની જ્ઞાનમંજરી શાળામાંથી શિક્ષણ મેળવેલું છે. તેઓ પોતે ચીનમાં મેળવેલાં જ્ઞાનનો સ્થાનિક સ્તરે લોકોની સેવા માટે ઉપયોગ કરશે. ચીનના તબીબી જ્ઞાનનો ભારતીય તબીબી જ્ઞાન સાથે સમન્વય સાધીને તેઓ લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટેની અભિલાષા ધરાવે છે.
ક્ષત્રિય સમાજમાં આ પરીક્ષામાં આટલાં ગુણ મેળવનારા તેઓ પ્રથમ વિદ્યાર્થી છે. આ ડો.વિજયરાજસિંહ લોકભારતી સણોસરાના પૂર્વ આચાર્ય જિતેન્દ્રસિંહ ગોહિલના પૌત્ર અને ડો.પ્રદીપસિંહ ગોહિલ (ઇસ્કોન , ભાવનગર) ના પુત્ર છે. હાલમાં ડો.વિજયરાજસિંહ ગોહિલ મેડિકલ કોલેજ અને સર ટી . હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ તરીકે સેવા ચાલું કરશે. આ પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી મેડિકલની અત્યંત કઠીન ગણાતી પરીક્ષાઓમાંની એક છે.