(અમિત પટેલ.અંબાજી)
(માહિતી બ્યુરો પાલનપુર)
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા.૧૪/૬/૨૦૨૧ થી શરુ કરાયેલ સદાવ્રત (વિનામુલ્યે ભોજન)ને યાત્રિકો તેમજ અંબાજી ગ્રામજનો દ્વારા અત્યંત આવકારદાયક અને ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળી રહ્યો છે .
કલેકટરશ્રી આનંદ પટેલના ઐતિહાસિક નિર્ણયથી યાત્રાધામ અંબાજી ખાતે તા.૧૪/૬/૨૦૨૧ના રોજ જય જલિયાણ ફાઊન્ડેશન દ્વારા સદાવ્રત શરુ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત શરું થવાથી અંબાજીમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તથા અંબાજીના ગ્રામજનો ખુબ જ સારી રીતે માતાજીના આશીર્વાદ સમાન ભોજનનો લાભ લઇ રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ, વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ.જે.ચાવડા તથા જય જલિયાણ સદાવ્રતના સભ્યો દ્વારા આજે અંબિકા ભોજનાલયમાં ખુબ સારી રીતે ચાલી રહેલ સદાવ્રત અંગે અંબિકા ભોજનાલય ખાતે મુલાકાત કરવામાં આવી હતી તથા જરૂરી સુચન અને આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંબિકા ભોજનાલય ખાતે દરરરોજ સરેરાશ ૫૦૦૦ જેટલા ભાવિકો સદાવ્રતમાં વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે. તા.૧૪/૬/૨૦૨૧ થી તા.૧૭/૭/૨૦૨૧ સુધીમાં ૧,૫૧,૫૧૭ (એક લાખ એકાવન હજાર પાંચસો સત્તર) જેટલા ભક્તોએ સદાવ્રતમાં માં અબેના આશીર્વાદ સમાન ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અંબાજીમાં આવનાર યાત્રિકો તેમજ સમસ્ત અંબાજી નગરના રહેવાસીઓ દ્વારા આ સદાવ્રતને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અંબાજીમાં પધારતા યાત્રિકો તેમજ ગ્રામજનોમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરી રહી છે . શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા યાત્રાળુઓ માટે તથા ગ્રામજનો માટે દિન –પ્રતિદિન ખુબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. આપ સૌ એ સમાજ સેવાના આ ભગીરથ કાર્યમાં આપેલ સહકારને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે.
વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. જેથી આપણે સૌ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીએ તથા માસ્ક અવશ્ય પહેરીએ, બિન જરૂરી ઘરની બહાર ન નીકળીએ તેમજ વેક્સીન પણ અવશ્ય લઈએ.