જામનગર: પાકિસ્તાની ઘૂસણખોર સૈનિકો સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્રદળની વિજયની 22 મી વર્ષગાઠ નિમિત્તે 26 જુલાઈ 2021 ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા સ્કૂલ કેમ્પસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે શૌર્ય સ્તંભ – શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ વિશેષ દિવસે સૈનિક સ્કૂલ બાલાચડી એન.સી.સી. કંપનીના થર્ડ ઑફિસર લલિત યાદવના માર્ગદર્શન નીચે સૈનિક સ્કૂલ એન.સી.સી. કંપનીના કેડેટ્સ દ્નારા એક ઓનલાઇન વેબિનર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કેડેટ આરાધ્યા અસ્તિત્વના કારગિલ વિજય દિવસની માહિતી આપતા વક્તવ્ય અને ડૉક્યમેન્ટ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેડેટ્સે રોલ-પ્લે દ્વાર કારગિલ યુદ્ધના હીરોની બહાદુરી વિશે જાણકારી આપી હતી. તેમાં કેડેટ રુદ્ર રાણીપાએ શહીદ કેપ્ટન મનોજકુમાર પાંડે, પીવીસી,નો રોલ, કેડેટ વિશ્વજીત ચહલએ કર્નલ બલવાનસિંહ, મહાવીર ચક્ર, નો રોલ, કેડેટ ઋષિરાજએ સુબેદાર સંજયકુમાર, પીવીસી, નો રોલ, કેડેટ ઓમ રાજકુમારએ મેજર ઋષિકેશ રામાણી, સેના મેડલનો રોલ અને કેડેટ આરાધ્યા અસ્તિત્વએ કેપ્ટન નિલેશ સોનીનો રોલ ભજવ્યો હતો.
આ પ્રસંગને શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેડેટ વિશ્વજીત ચહલે કારગિલ દીવસ પર એક કવિતા રજૂ કરી હતી અને કારગીલ ખાતે ફરજ બજાવતા સૈનિકો માટે કેડેટ્સ દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સ્કૂલના અન્ય તમામ કેડેટ્સ માટે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જે કોવિડ-19 ને કારણે સ્કૂલમાં ઉપસ્થિત નથી. પછીથી આચાર્યએ ઓનલાઇન મોડ દ્વારા આ તમામ કેડેટ્સને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 250 કેડેટ્સ હાજર રહ્યા હતા.
મુખ્ય અતિથિએ કારગિલ વિજય દીવસના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે કોઈપણ યુદ્ધમાં કોઈ હારેલા અથવા વિજેતા નથી, ફક્ત પીડિત છે. આપણે જીવ ગુમાવીને વિજયની ઉજવણી કરી રહ્યા નથી, પરંતુ આપણે હિંમત અને ધૈર્યની ઉજવણી કરી રહ્યા છીએ. યુદ્ધ એ માનવતા પર લાદવામાં આવેલી નિમ્ન વસ્તુ છે. તેમણે મેજર જનરલ ઇયાન કાર્ડોઝોના શબ્દો પર પ્રકાશ પાડ્યો કે “જો તમને શાંતિ જોઈએ તો યુદ્ધો માટે તૈયાર રહેજો” પોતાને તૈયાર રાખીએ તો કોઈ આપણી સાથે લડવાની હિંમત નહીં કરે. તેમણે યુદ્ધ કેમ લડવામાં આવે તે સમજાવતા કહ્યુ હતું કે સૈનિક એટલા માટે નથી લડતા કે તે સામે વળાની નફરત કરે છે. એટલા માટે લડે છે કે પાછળ વાળાને પ્રેમ કરે છે. તેમણે જણાવ્યું હતું કે સૈનિક સ્કૂલ બાલાચડીમાં દેશની અખંડિતતા જાળવવાની તૈયારી માટે કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. મુખ્ય અતિથિએ મેજ જનરલ ઇયાન કાર્ડોઝોના શબ્દો સાથે તેમના ભાષણની સમાપ્તિ કરી હતી “જે કામ તમને સારું લાગે તે કરો તથા તમે જે કરો તેને પ્રેમ કરો.”