અમદાવાદ: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ગુજરાત NCC નિદેશાલય દ્વારા સતત યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોને આગળ ધપાવતા ગુજરાત NCC નિદેશાલયના ઉપક્રમે 26 જુલાઇ 2021ના રોજ ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વમાનનું રક્ષણ કરવા માટે જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું અને હાલમાં જેઓ આપણી સરહદોની સુરક્ષા કરી રહ્યાં છે તેવા ભારતીય સૈન્યના બહાદુર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા અને એકજૂથતાની લાગણી વ્યક્ત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગર ખાતે એક જ દિવસે યોજવામાં આવેલી આવી જ રક્તદાન કવાયતોમાં NCCના કુલ 500 કેડેટ્સે સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું.
ગુજરાતના આદરણીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદમાં આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમને NCC કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બાદમાં NCC કેડેટ્સને તેમણે સંબોધન કર્યું હતું અને સમાજ હિતના કાર્યોને આગળ ધપાવવા માટે આપેલા યોગદાન બદલ તેમણે કેડેટ્સની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમના આરંભ તરીકે, ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા હાથ બનાવટથી તૈયાર કરવામાં આવેલા લગભગ 30,000 શુભેચ્છા કાર્ડ્સને 17 જુલાઇ 2021ના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રવાના કરવામાં આવ્યા હતા અને 18 જુલાઇ 2021ના રોજ પશ્ચિમ રેલવેના છત્ર હેઠળ તેને ઉધમપુર ખાતે મોકલવામાં આવ્યા હતા. આ કાર્ડ્સ 20 જુલાઇ 2021ના રોજ ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી UYSM, AVSM, VrC, SM દ્વારા વિધિવત રીતે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. 20-25 જુલાઇ 2021 દરમિયાન કારગિલ સરહદ ક્ષેત્રમાં તૈનાત જવાનોમાં આ કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરીય કમાન્ડ્સ #IndiaSalutesKargilHeroes ના ભાગરૂપે, ગુજરાત NCCના કેડેટ્સના આ સદ્ભાવના કાર્યની જવાનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી અને વિવિધ પોસ્ટ પર તૈનાત જવાનોના દિવસને ખુશીઓ અને નવા રંગોથી ભરી દીધો હતો.
#EkMaiSauKeLiye અભિયાનનો તબક્કો 5 “કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” 26 જુલાઇ 2021ના રોજ સમાપ્ત થાય છે અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં NCCના કેડેટ્સની સામાજિક સેવા અને સામુદાયિક વિકાસની જવાબદારીના ભાગરૂપે #EkMaiSauKeLiye અભિયાનના તબક્કા 6 નો આરંભ ટૂંક સમયમાં થશે.
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાત NCC નિદેશાલય દ્વારા હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓમાં સતત અને દિલથી સહકાર આપવા બદલ આદરણીય શિક્ષણમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અમદાવાદ સ્થિત બી.જે. મેડિકલ કોલેજના મેડિકલ સ્ટાફે ટેકનિકલ સહકાર પૂરો પાડ્યો હતો.