આદિવાસીઓના કલ્યાણ અને સર્વાગી વિકાસ માટે
રાજ્ય સરકાર કટીબધ્ધ છે
–આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)
*********
મંત્રીશ્રીના હસ્તે કુંવરબાઇનું મામેરું, વ્યક્તિગત સહાયના લાભાર્થીઓને ચેક તથા માનવ ગરીમા યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા ૯ દિવસથી રાજયમાં વિકાસનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે તા. ૯ મી ઓગષ્ટના રોજ અમીરગઢ તાલુકાના જોરાપુરા આદર્શ નિવાસી શાળામાં આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કુંવરબાઇનું મામેરું, વ્યક્તિગત આવાસ યોજનાના લભાર્થીઓને સહાયના ચેક તથા માનવ ગરીમા યોજનાના આદિજાતિ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)એ વનબંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ રાજ્ય સરકાર આદિવાસીઓના કલ્યાણ અને સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિજાતિ સમાજ અન્ય સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે વનબંધુ યોજના હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યાં છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ આ સરકારે વિકસાવી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુશાસનના પાંચ વર્ષ પુરા કર્યા છે અને છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે ત્યારે આપણી સરકારે કરેલા જનહિતના કામોને લોકો સમક્ષ મુકવા માટે છેલ્લા નવ દિવસથી રાજયમાં વિકાસનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ નવ દિવસ દરમ્યાન રાજયમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડુતોની આવક વધારવા આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક નિર્ણયો લીધા છે જેનાથી ખેડુતોની આવક અને સુખાકારીમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડુતોના ખાતામાં રૂ. ૬૦૦૦ સીધા જમા કરાવવામાં આવે છે. ખેડુતોને સિંચાઇ માટે દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવવાથી ખેડુતોની મુશ્કેલીઓનો અંત આવશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળકાળમાં સાંજે જમવાના સમયે વીજળી મળતી નહોતી. આજે સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક વીજળી મળે છે એ આ સરકારની નિયત અને નીતિઓની આભારી છે. તેમણે ઉમેર્યુ કે, છેલ્લા બે દાયકામાં આપણા ગુજરાતે તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક મહત્વના નિર્ણયો લઇ લોકોની આવક અને સુખાકારીમાં વધારો થયો તે દિશામાં નક્કર પગલાં લીધા છે. તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે પરંતું આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોનાનો મક્કમ મુકાબલો કરી આપણે વિકાસયાત્રાને આગળ ધપાવી છે. તેમણે કહ્યું કે, બિમારીના સમયે લોકોને કોઇની પાસે હાથ લંબાવવો ન પડે તે માટે સરકારે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સ્લ્ય યોજના અમલી બનાવી છે. જેમાં રૂ. ૫ લાખ સુધી કેશલેસ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. ગંગાસ્વરૂપ બહેનનો દિકરો ૨૧ વર્ષનો થાય તો એને વિધવા સહાય મળવાનું બંધ થઇ જતું હતું. તે જોગવાઇને દૂર કરી આવી બહેનોને આજીવન સહાય મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, આ સરકાર લોકોની મુશ્કેલીઓ કે પીડા સમજીને તે દૂર કરવાના પ્રયાસો કરે છે. તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે આપણે પણ તેમાં યોગદાન આપી મજબુત અને શક્તિશાળી રાષ્ટ્રાના નિર્માણમાં સહભાગી બનીએ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીજલ ખરે, નાયબ વન સંરક્ષકશ્રી અભયસિંઘ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી કનુભાઇ વ્યાસ, શ્રી ભરતભાઇ પરમાર, શ્રી માધુભાઇ રાણા, શ્રીમતી શિલ્પાબેન ચૌધરી, આદિજાતિ વિકાસના મદદનીશ કમિશ્નરશ્રી સહિત અધિકારીઓ, અગ્રણીઓ, વિધાર્થીઓ અને આદિજાતિ ભાઇ-બહેન લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી